Site icon Revoi.in

પરીક્ષા વગર પાસ નહીં થાય વિદ્યાર્થી, ઓનલાઈન ભણાવવામાં આવ્યું છે તેની લેવાશે પરીક્ષા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી નથી. જો કે, વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે તેમને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન કોરોના મહામારીને પગલે ધો-1થી 9 અને ધો-11ના વિદ્યાર્થીઓને માસપ્રમોશનની અટકળો વહેતી થઈ છે. જો કે, વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવાનો કોઈ વિચાર નહીં હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. આગામી શૈક્ષણિક વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રમોટ કરવા પહેલા પરીક્ષાઓ લેવાની વિચારણા ચાલી રહી છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓની પરીક્ષા કેવી રીતે યોજવી તેની ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.

રાજ્યના શિભણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના જણાવ્યા અનુસાર સ્કૂલોએ જે ઓનલાઈન સિલેબસ ભણાવ્યો તે આધારે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાશે. જો આખો સિલેબસ કોરોના મહામારીના કારણે ઓનલાઇન ભણાવી ન શકાયો હોય તો વિદ્યાર્થીઓની પરીક્ષા જેટલો સિલેબસ ભણાવવામાં આવ્યો છે તેના આધારે લેવામાં આવશે.

સરકાર દ્વારા પરીક્ષા લેવા માટેના તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જે પૈકી સૌથી વધુ સ્યુટેબલ રહેશે તે ઓપ્શન પર આગળ વધશે. એક ઓપ્શન એવો છે કે વિદ્યાર્થીઓને ઘરે જ પ્રશ્ન પેપર આપવામાં આવે અને શિક્ષકો દ્વારા તેને તપાસવામાં આવે. બીજો એક ઓપ્શન એવો છે કે વિદ્યાર્થીને ખૂબ જ સિમિત માત્રામાં બેચ વાઇઝ સ્કૂલમાં બોલાવામાં આવે અને ત્યાં તેમની પરીક્ષા લેવામાં આવે. જ્યારે ત્રીજો ઓપ્શન ઓનલાઇન પરીક્ષાનો છે. જેની શકયતાઓ નહીવત છે. ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ પાસે ખૂબ મર્યાદિત સ્માર્ટફોન અને કોમ્પ્યુટરની સુવિધા છે કે જેના દ્વારા તેઓ ઓનલાઇન એક્ઝામ આપી શકે. પરીક્ષાઓ ક્યા પ્રકારે લેવી તે અંગે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.