Site icon Revoi.in

સુખી જળાશય યોજનાઃ મુખ્ય, શાખા અને માઈનોર નહેરોનું આધુનિકરણ કરાશે

Social Share

છોટાઉદેપુરઃ સુખી જળાશય યોજના આધારિત જમણા કાંઠા અને ડાબા કાંઠાની મુખ્ય નહેરો, શાખા નહેરો અને માઈનોર નહેરોનું અંદાજે રૂ. 225 કરોડના ખર્ચે સુધારણા તેમજ આધુનિકરણ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પરિણામે છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં સિંચાઈની સુવિધાઓ વધુ સુચારૂ બનશે તેમ, જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જણાવાયું હતું.

જળ સંપત્તિ મંત્રીએ કહ્યું હતું કે, સુખી જળાશય યોજનાની જમણા તથા ડાબા કાંઠા મુખ્ય નહેર સહિતની 663 કિ.મી.ની વિસ્તરણ પ્રણાલીથી છોટાઉદેપુર જિલ્લાના 92 ગામોના 14796 સિંચાઇકારોના 17094 હેકટર પિયત વિસ્તારને તેમજ પંચમહાલ જિલ્લાના 39 ગામોના 3699 સિંચાઇકારોના 3607 હેકટર વિસ્તાર એમ સમગ્રતયા 131 ગામોના કુલ 18500 સિંચાઈકારોના કુલ 20701 હેક્ટર વિસ્તારને સિંચાઇ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. નહેરના નવીનીકરણથી આ વિસ્તારમાં વધુ સારી રીતે સિંચાઈનું પાણી આપી શકાશે.

જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, સુખી જળાશય યોજના છોટાઉદેપુર જિલ્લાના પાવી-જેતપુર તાલુકામાં સાંગધ્રા તેમજ ખોસ ગામની નજીક સુખી અને ભારજ નદીના સંગમ ઉપર ખાસ કરીને આદિવાસી વિસ્તારને સિંચાઇનો લાભ આપવા તૈયાર કરવામાં આવી છે. સુખી ડેમ, જમણા કાંઠા મુખ્ય નહેર, ડાબા કાંઠા મુખ્ય નહેર સહિતના વિતરણ માળખાનું બાંધકામ વર્ષ 1978માં શરૂ કરીને વર્ષ 1985-86 દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, સુખી જળાશયની નહેરો અને તેના સ્ટ્રકચરોનું બાંધકામ ઘણા વર્ષ અગાઉ થયું હોવાથી તેમજ સ્ટ્રકચરોનું બાંધકામ રબલ મેશનરી અને બ્રીક મેશનરીમાં થયું હોઈ હાલની સ્થિતિએ જર્જરીત થઇ ગયું છે. જેથી સંપૂર્ણ નહેર નેટવર્કમાં સરળતાથી અને પૂર્ણ ક્ષમતાએ પાણીનું વહન થાય તે માટે નહેરો અને સ્ટ્રકચરોના મજબુતીકરણ-આધુનિકરણની કામગીરી અતિ-આવશ્યક હોવાથી સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.