Site icon Revoi.in

સની દેઓલની ‘ગદર 2’ એ તેના બીજા અઠવાડિયામાં રચ્યો ઇતિહાસ! ટૂંક સમયમાં 400 કરોડના ક્લબમાં થઈ શકે છે સામેલ

Social Share

મુંબઈ: સની દેઓલની ‘ગદર 2’ ને ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ. ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તારા સિંહ અને સકીનાની આગળની વાર્તા ‘ગદર 2’માં બતાવવામાં આવી રહી છે, જે લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. રિલીઝના બીજા સપ્તાહમાં પણ આ ફિલ્મને લોકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ‘ગદર 2’ની કમાણી પણ છપ્પર ફાડીને થઈ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી અને નવો ઈતિહાસ રચ્યો. આ ફિલ્મ બીજા વીકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.

સની દેઓલની ‘ગદર 2’ એ આગામી ફિલ્મો માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ‘ગદર 2’ એ એવો રેકોર્ડ બનાવ્યો છે જે આ પહેલા કોઈ કરી શક્યું નથી. ફિલ્મે તેની રિલીઝના બીજા સપ્તાહના વીકએન્ડમાં પણ 90.47 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ નવા રેકોર્ડમાં સની દેઓલે શાહરૂખ ખાનની ‘પઠાણ’ને પણ માત આપી છે. શાહરૂખ ખાનની ફિલ્મે બીજા વિકેન્ડ પર માત્ર 63.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ માહિતી ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

બીજા વીકએન્ડ પર અત્યાર સુધીમાં સૌથી વધુ કમાણી કરનારી 6 ફિલ્મો-

ગદર 2 – ₹ 90.47 કરોડ
પઠાણ – ₹ 63.50 કરોડ
બાહુબલી 2 – ₹ 80.75 કરોડ
KGF2 – ₹ 52.49 કરોડ
દંગલ – ₹ 73.70 કરોડ
સંજુ – ₹ 62.97 કરોડ

સની દેઓલની ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર શાનદાર રીતે દબદબો જમાવ્યો છે. બીજા અઠવાડિયે પણ આ ફિલ્મ લોકોની પસંદ બની રહી છે. ફિલ્મ રિલીઝ થયાને 10 દિવસ થઈ ગયા છે. ફિલ્મે 10મા દિવસે 38.90 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી 375.10 કરોડ થઈ ગઈ છે. સની દેઓલે એક પોસ્ટ શેર કરીને આખા વીકએન્ડની કમાણીનો આંકડો શેર કર્યો છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 400 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.