Site icon Revoi.in

રાજકોટમાં રેશનિંગના અનાજનો રૂપિયા 12 લાખનો જથ્થો જિલ્લા પુરવઠા વિભાગે પકડ્યો

Social Share

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકોને નેશનલ ફુડ સિકયોરીટી એકટ (એનએફએસએ) અંતર્ગત મફતમાં અનાજ આપવામાં આવે છે. જરૂરીયાત કરતા વધુ અનાજ મળતું હોય  કેટલાક લાભાર્થીઓ વેપારીઓને ઊંચા ભાવ લઈને અનાજ વેચી  દેતાં હોય છે. બાતમીને આધારે નાગરિક પુરવઠા બોર્ડના અધિકારીઓએ રેડ પાડીને અંદાજે રૂા.12 લાખની કિંમતનું સરકારી અનાજ (ઘઉં) રાજકોટના પરસાણાનગર વિસ્તારમાંથી ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ  છકડો રિક્ષામાં અનાજ એકત્ર કરી રાજકોટ શહેરના પરસાણાનગર શેરી નં.4ના ખુણે આવેલ ગોડાઉનમાં ઠાલવવામાં આવતું હોવાની ચોકકસ બાતમી મળતા જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણની આગેવાની હેઠળ પુરવઠા ઇન્સ્પેકટરોની ટીમ મંગળવારે બપોરે આ વિસ્તારમાં રેડ પાડી હતી. અને રૂા.12 લાખની કિંમતના ઘઉંનો જથ્થો ઝડપી પાડયો હતો. પુરવઠા વિભાગના અધિકારીઓ ‘હાલ તપાસ ચાલુ છે’ તેનાથી વધુ કશુ વધુ કહેવા તૈયાર નથી, પરંતુ મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના બિલખા અને જેતપુર તરફના વિસ્તારમાંથી ઘઉંનો આ મોટો જથ્થો રાજકોટ ખાતેના ગોડાઉનમાં આવ્યો હોવાનું કહેવાય છે. હાલ તો પુરવઠા વિભાગના અધિકારીઓએ નિવેદન નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી માટેની પ્રક્રિયા શરૂ કરી છે. ઝડપી પડાયેલો ઘઉંનો જથ્થો નિગમના ગોડાઉનમાં રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રેશનિંગનો જથ્થો ક્યાથી લાવવામાં આવ્યો હતો તેની પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા ગરીબ પરિવારોને મફતમાં અનાજનો જથ્થો આપવામાં આવતો હોય છે. આ કિસ્સામાં રેશનિગના દુકાનદારોની પણ સંડોવણી હોય તેવું પુરવઠા વિભાગના અધિકારીએનું માનવું છે. (file photo)