Site icon Revoi.in

જાતિ આધારિત વસ્તી ગણતરી મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

Social Share

નવી દિલ્હી, 20 મે 2026: સુપ્રીમ કોર્ટે બુધવારે જાતિ આધારિત વસ્તી ગણતરી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જાતિગત વસ્તી ગણતરી એ સરકારનો નીતિગત વિષય છે અને કોર્ટ આવા વહીવટી નિર્ણયોમાં દખલગીરી કરી શકે નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠે આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુનાવણી દરમિયાન સીજેઆઈ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી જાતિ આધારિત રાખવી કે નહીં તે નક્કી કરવાનું કામ સરકારનું છે. કોર્ટે ઉમેર્યું કે, સરકાર પાસે ઓબીસી વર્ગની ચોક્કસ સંખ્યાની માહિતી હોવી જરૂરી છે, જેથી પછાત વર્ગોના કલ્યાણ માટે યોગ્ય અને સચોટ યોજનાઓ બનાવી શકાય.

અરજીકર્તા તરફથી કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે જાતિ આધારિત આંકડાઓનો દુરુપયોગ થઈ શકે છે. આ ઉપરાંત સરકાર પાસે અગાઉથી જ પૂરતો ડેટા ઉપલબ્ધ હોવાથી નવી જાતિગત ગણતરીની કોઈ જરૂર નથી. જો કે, ચીફ જસ્ટિસે આ દલીલને નકારી કાઢતા કહ્યું કે, દેશમાં પછાત વર્ગના લોકોની વાસ્તવિક સંખ્યા કેટલી છે તે જાણવાનો સરકારને પૂરો અધિકાર છે. જ્યાં સુધી સરકારનો કોઈ નિર્ણય કાયદાની વિરુદ્ધ ન હોય, ત્યાં સુધી કોર્ટ તેની નીતિઓમાં હસ્તક્ષેપ કરશે નહીં. આ ટિપ્પણી સાથે જ કોર્ટે અરજીને રદ બાતલ જાહેર કરી હતી.

કોરોના મહામારીના કારણે પાંચ વર્ષના વિલંબ બાદ આખરે ભારતમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે દેશમાં પ્રથમ વાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી બે તબક્કામાં વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1એપ્રિલથી શરૂ થયો છે જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ અંતર્ગત ઘરોની યાદી અને મિલકત સંબંધિત વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરીનો બીજો તબક્કો આગામી સમયમાં શરૂ થશે, જેમાં પરિવારના દરેક સભ્યની વ્યક્તિગત માહિતી નોંધવામાં આવશે.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત હાલમાં દેશના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવી છે. જેમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા, સિક્કિમ, દિલ્હીના NDMC અને દિલ્હી કેન્ટ વિસ્તારનો સમાવેશ થાય છે. આ વસ્તી ગણતરીની સૌથી વિશેષ બાબત એ છે કે, સરકારી કર્મચારીઓ ઘર-ઘર જઈને સર્વે કરે તે પહેલાં સામાન્ય નાગરિકોને 15 દિવસનો ‘સ્વ-ગણતરી’ નો સમય આપવામાં આવ્યો છે. દેશનો કોઈ પણ નાગરિક સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાની અનુકૂળતા મુજબ પરિવારની માહિતી જાતે જ ઓનલાઈન દર્જ કરી શકશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને પોતાના વિસ્તારમાં ૩૦ દિવસની અંદર આ સર્વેક્ષણ પૂરું કરવાનું રહેશે.

Exit mobile version