Site icon Revoi.in

દેશમાં સતત વધી રહેલા બાળ તસ્કરીના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

Social Share

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: દેશમાં સતત વધી રહેલા બાળ તસ્કરીના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ બાબતે સક્રિય નહીં થાય, તો આ ગંભીર સમસ્યા હાથમાંથી નીકળી જશે. કોર્ટે અવલોકન કર્યું કે દેશભરમાં માનવ તસ્કરી કરતી સંગઠિત ટોળકીઓ બેફામ બની છે અને તેમની સામે લડવા માટે જરૂરી વહીવટી ઈચ્છાશક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે.

એક અરજી પર સુનાવણી દરમિયાન ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે, “અદાલત માત્ર માર્ગદર્શન આપી શકે અને દેખરેખ રાખી શકે છે, પરંતુ ગુનેગારોને પકડવા અને બાળકોને બચાવવાની વાસ્તવિક કામગીરી તો રાજ્ય સરકારો, પોલીસ અને તપાસ એજન્સીઓએ જ કરવી પડશે.” કોર્ટે ઉમેર્યું કે, કેટલાક કિસ્સાઓમાં બાળકો જે રીતે હેમખેમ મળી આવ્યા છે તે સાબિત કરે છે કે જો ઈચ્છાશક્તિ હોય તો આ સમસ્યાનો ઉકેલ શક્ય છે.

સુપ્રીમ કોર્ટે 15એપ્રિલ 2025ના તેના ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, અગાઉ સંસ્થાકીય સુધારા માટે અનેક નિર્દેશો આપવામાં આવ્યા હતા, જેમાં તસ્કરીના કેસોમાં 6 મહિનાની અંદર ટ્રાયલ પૂરી કરવી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સને વધુ મજબૂત બનાવવા. તસ્કરીના ‘હોટસ્પોટ’ વિસ્તારોની ઓળખ માટે રાજ્ય કક્ષાની સમિતિઓની રચના કરવી. તેમજ ગુમ થયેલા બાળકોના કેસને પ્રાથમિક દ્રષ્ટિએ તસ્કરીનો જ કેસ માની તપાસ કરવા નિર્દેશ કર્યો હતો. જોકે, અનેક રાજ્યોએ માત્ર ઔપચારિક અહેવાલો રજૂ કર્યા છે અને જમીની સ્તરે કામગીરી શૂન્ય છે.

સુનાવણી દરમિયાન સામે આવ્યું કે મધ્ય પ્રદેશ, હરિયાણા, ગોવા, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને પંજાબ જેવા રાજ્યોએ હજુ સુધી નિયત ફોર્મેટમાં રિપોર્ટ દાખલ કર્યો નથી. મધ્ય પ્રદેશના ગૃહ સચિવે આ વિલંબ બદલ માફી માંગી હતી, જેના પર કોર્ટે કડક ચેતવણી આપતા કહ્યું કે, જો હવે પછી બેદરકારી દાખવવામાં આવશે તો સંબંધિત રાજ્યોને ‘ડિફોલ્ટર’ જાહેર કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, દેશના ઓછામાં ઓછા 15 રાજ્યોએ હજુ સુધી તસ્કરી પ્રભાવિત વિસ્તારો પર નજર રાખવા માટે જરૂરી સમિતિઓની રચના પણ કરી નથી. આ બેદરકારી બાળ સુરક્ષા સામે મોટો ખતરો છે. હવે આ મામલે આગામી સુનાવણી 29 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં રાજ્યોએ કરેલી કામગીરીનો હિસાબ આપવો પડશે.

આ પણ વાંચોઃ નાગરિક ઉડ્ડયન મંત્રીએ લેન્ડિંગ અને પાર્કિંગ ફીમાં ઘટાડાની કરી જાહેરાત

Exit mobile version