નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: દેશમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અને તેના ઉકેલ માટેના ‘એનિમલ બર્થ કંટ્રોલ’ (ABC) નિયમો પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અરજદારોની વેદના, વકીલોના સૂચનો અને જજની તીખી ટિપ્પણીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કોર્ટ હાલ માનવ સુરક્ષા અને પ્રાણીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા પર વિચાર કરી રહી છે. એક અરજદારે કોર્ટને જણાવ્યું કે તેમના વિસ્તારમાં રખડતા કૂતરાઓનો જબરદસ્ત ત્રાસ છે. કૂતરાઓ આખી રાત ભસતા રહે છે અને એકબીજાનો પીછો કરે છે, જેના કારણે બાળકો ભણી શકતા નથી અને લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. અધિકારીઓ પાસે ફરિયાદ કરવા છતાં તેઓ માત્ર રસીકરણ અને નસબંધીની જ વાત કરે છે, પરંતુ તેનાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.
એડવોકેટ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે રખડતા કૂતરાઓની સમસ્યા માટે અસરકારક નસબંધી જરૂરી છે. તેમણે કહ્યું કે, “જયપુર અને ગોવા જેવા શહેરોમાં આ સિસ્ટમ સફળ રહી છે, પરંતુ અન્ય શહેરોમાં પારદર્શિતાનો અભાવ છે. એક એવી વેબસાઇટ હોવી જોઈએ જ્યાં લોકો બિન-નસબંધી કરાયેલા કૂતરાઓની જાણ કરી શકે.” આ સૂચન પર જસ્ટિસ સંદીપ મહેતાએ કટાક્ષ કરતા ટિપ્પણી કરી કે, “આપણે કૂતરાઓને પોતાની સાથે સર્ટિફિકેટ લઈને ચાલવા માટે કેમ ન કહી શકીએ?” જ્યારે પ્રશાંત ભૂષણે અગાઉની એક ટિપ્પણી (કૂતરાના કરડવા માટે ખવડાવનારા જવાબદાર) ને વ્યંગ ગણાવી, ત્યારે જસ્ટિસ વિક્રમ નાથે સ્પષ્ટ કર્યું કે તે વ્યંગ નહીં પણ ગંભીરતાથી કહેવાયેલી વાત હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે પક્ષકાર એવા એક એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી (મેનકા ગાંધીના સંદર્ભમાં) દ્વારા કરવામાં આવેલા પોડકાસ્ટ પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે તેમના વકીલ રાજુ રામચંદ્રનને કહ્યું કે, “તમારા અસીલ કોર્ટ વિશે કેવા પ્રકારની વાતો કરી રહ્યા છે? તેમની બોડી લેન્ગવેજ અને ટિપ્પણીઓ કોર્ટની અવમાનના સમાન છે. અમે દરિયાદિલી દાખવીએ છીએ એટલે ધ્યાન નથી આપતા, પણ કોર્ટે સાવધ રહેવું જોઈએ તેવી સલાહ આપનારા તમારા અસીલ પોતે શું બોલે છે તે જુઓ.” સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે આ મામલે માનવ સુરક્ષા અને ABC નિયમોના અમલીકરણ વચ્ચે રસ્તો કાઢવા માંગે છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારંભ યોજાયો, ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત

