નવી દિલ્હી, 25 એપ્રિલ 2026: દેશની હોસ્પિટલોમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળતી સુવિધાઓમાં એકરૂપતા અને ગુણવત્તા લાવવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે જણાવ્યું હતું કે માત્ર દિશાનિર્દેશો બનાવવા પૂરતું નથી, તેનું પાયાના સ્તરે અમલીકરણ અને દેખરેખ અત્યંત અનિવાર્ય છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ રાજ્ય દ્વારા તૈયાર કરવામાં આવતી કાર્યયોજનામાં પાંચ પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી જોઈએ. જેમાં નિષ્ણાત સ્ટાફની ઉપલબ્ધતા અને અદ્યતન તબીબી ઉપકરણોનો સમાવેશ થાય છે. કોર્ટે તમામ રાજ્યોને લઘુત્તમ ધોરણો જાળવી રાખવા માટે વાસ્તવિક અને વ્યવહારિક મોડેલ તૈયાર કરવા સૂચના આપી છે.
સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ સૂચન કરવામાં આવ્યું હતું કે ICUમાં દર્દીઓની સૌથી નજીક નર્સિંગ સ્ટાફ રહેતો હોવાથી, તેમને ICU મેનેજમેન્ટ માટે વિશેષ તાલીમ આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આ સૂચનને ‘વ્યવહારિક અને જરૂરી’ ગણાવીને સ્વીકારી લીધું છે. આ સંદર્ભમાં ભારતીય નર્સિંગ કાઉન્સિલને પણ પક્ષકાર બનાવવામાં આવી છે અને તેમને અભ્યાસક્રમમાં જરૂરી સુધારા કરવા જણાવાયું છે.
કોર્ટે આદેશ આપ્યો છે કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ એક સપ્તાહની અંદર બેઠક યોજવી. આ બેઠકમાં નક્કી થયેલી કાર્યયોજનાનો રિપોર્ટ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયને મોકલવો. તેમજ કેન્દ્ર સરકાર આ રિપોર્ટ તમામ રાજ્યો સાથે શેર કરશે જેથી શ્રેષ્ઠ પદ્ધતિઓનો અમલ થઈ શકે. ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં ICU સેવાઓ માટેના ચોક્કસ માપદંડો હોવા જોઈએ જેથી કોઈપણ દર્દીને સારવારમાં ખામીનો સામનો ન કરવો પડે. યોગ્ય તાલીમબદ્ધ સ્ટાફ અને પૂરતા સાધનો દ્વારા જ ગંભીર પરિસ્થિતિઓને વધુ સારી રીતે હેન્ડલ કરી શકાશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ગરમીનો પારો ચડ્યો, અમરેલીમાં 43.3 ડિગ્રી ગરમી નોંધાઈ

