ગુજરાતમાં ગરમીનો પારો ચડ્યો, અમરેલીમાં 43.3 ડિગ્રી ગરમી નોંધાઈ
અમદાવાદ, 25 એપ્રિલ 2026: ગુજરાતમાં ઉનાળો હવે તેનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ગરમીનો પારો 41 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહ્યું હતું. સૌરાષ્ટ્રના અમરેલીમાં શુક્રવારે સૌથી વધુ 43.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા નોંધપાત્ર રીતે વધુ નોંધાયું હતું.
હવામાન વિભાગે ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે. આ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે સામાન્ય જનજીવનમાં ભારે અસ્વસ્થતા અનુભવાશે. રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવાર, 26 એપ્રિલના રોજ આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. હાલની સ્થિતિ જોતા 2 મે 2026 સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા નથી.
ગરમી અને ભેજવાળા હવામાનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે નાગરિકોને સાવચેતીના પગલાં લેવા સૂચન કર્યું છે. જે અનુસાર, બપોરના સમયે સીધા ગરમીના સંપર્કમાં આવવાનું ટાળવું, હળવા, આછા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા, બહાર નીકળતી વખતે માથું ઢાંકવું, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો અને શિશુઓ, વૃદ્ધો અને ક્રોનિક રોગ ધરાવતા લોકોએ ખાસ કાળજી લેવી કારણ કે તેમના માટે સ્વાસ્થ્યની ચિંતા વધી શકે છે.


