Homeગુજરાતીગુજરાતહું અંતિમ શ્વાસ સુધી લોકોની સેવા કરતો રહીશઃ PM મોદી

હું અંતિમ શ્વાસ સુધી લોકોની સેવા કરતો રહીશઃ PM મોદી

પાલનપુર, 30 ઓક્ટોબર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ભિલડી ખાતે 325 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત અતિ-આધુનિક ‘ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’નું લોકાર્પણ કર્યું હતું. આ કેન્દ્ર સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશી પશુઓની નસ્લની ગુણવત્તામાં સુધારો કરવાનો અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવાનો છે. આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બનાસ ડેરીના અધ્યક્ષ તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.

લોકોને સંબોધિત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, ખેતી અને પશુપાલનને માત્ર પરંપરા પૂરતાં સીમિત રાખવામાં નથી આવ્યા, પરંતુ તેને ખેડૂતોની આવક વધારવા અને ગામડાઓને આત્મનિર્ભર તેમજ સમૃદ્ધ બનાવવાનું સશક્ત માધ્યમ બનાવવામાં આવ્યું છે. સરકારે કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધાર્યો છે. બનાસકાંઠામાં બનેલું આ નવું રિસર્ચ સેન્ટર રાષ્ટ્રીય ગોકુલ મિશનને વધુ મજબૂત બનાવશે. પોતાના સંબોધનમાં ભાવુક અંદાજમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, “હું અંતિમ શ્વાસ સુધી લોકોની સેવા કરતો રહીશ.”

આ પશુ પ્રજનન અને સંશોધન કેન્દ્ર 127 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના તકનીકી માર્ગદર્શન અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશનના સહયોગથી બનાસ ડેરી દ્વારા આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સેન્ટરમાં IVF અને ભ્રૂણ પ્રતિરોપણ જેવી અત્યાધુનિક પ્રજનન તકનીકો દ્વારા દર વર્ષે 25 હજાર ઉચ્ચ ગુણવત્તાવાળા ભ્રૂણ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અહીં કાંકરેજ, ગીર, સાહીવાલ અને થારપારકર જેવી દેશી ગાયોની નસ્લો ઉપરાંત મહેસાણા, બન્ની, જાફરાબાદી અને મુર્રા જેવી ભેંસોની ઉત્તમ ઓલાદો પર સંશોધન અને કાર્ય થશે. પશુઓની વધતી જતી જાળવણી ખર્ચ અને ઘાસની ઘટતી ઉપલબ્ધતા વચ્ચે આ કેન્દ્ર ડેરી ખેડૂતોને ઓછા પશુઓથી વધુ દૂધ ઉત્પાદન મેળવવામાં મદદરૂપ બનશે.

https://www.instagram.com/reels/DfHA-GeIZP_/

  • પીએમ કિસાન યોજના અંતર્ગત કરોડો ખેડૂતોના ખાતામાં નાણાં જમા

આ અવસરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, આ યોજના અંતર્ગત આશરે 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી છે. ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોને પણ આનો લાભ મળ્યો છે, જેમાં એકલા બનાસકાંઠાના લાખો ખેડૂતોના ખાતામાં આશરે 50 કરોડ રૂપિયા પહોંચ્યા છે.

વડાપ્રધાને ઉમેર્યું કે દેશમાં 85 ટકાથી વધુ નાના ખેડૂતો છે, અગાઉની સરકારે તેમની જરૂરિયાતો પર પૂરતું ધ્યાન નહોતું આપ્યું, પરંતુ વર્તમાન સરકારે નાના ખેડૂતોની ચિંતા કરીને સીધી આર્થિક સહાય પહોંચાડી છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ અંદાજે સાડા ચાર લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે.

ન્યૂનતમ ટેકાના ભાવનો મુદ્દો ઉઠાવતા વડાપ્રધાને જણાવ્યું હતું કે અગાઉની સરકારે ખેડૂતોને એમએસપીના નામે માત્ર ઠગાઈ કરી છે, જ્યારે વર્તમાન સરકારે આપેલા તમામ વાયદાઓ પૂરા કર્યા છે. છેલ્લા 12 વર્ષોમાં ઘઉં અને ડાંગરના ખેડૂતોના ખાતામાં એમએસપી પેટે 24 લાખ કરોડ રૂપિયા પહોંચ્યા છે. સરકાર દ્વારા ખેતીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વ્યાપક પ્રસાર કરવામાં આવ્યો છે.

દેશના 26 કરોડથી વધુ ખેડૂતો પાસે આજે સૉઇલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ છે, જેના કારણે ખેડૂતોને પોતાની જમીનને અનુરૂપ ખાતર અને પોષક તત્વોની ચોક્કસ માત્રાની જાણકારી મળી રહે છે અને ખેતી વધુ આધુનિક બની છે. કાર્યક્રમ દરમિયાન બે નવા બાયો-સીએનજી પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો, જેથી પશુઓના સ્વાસ્થ્ય અને દૂધ ઉત્પાદન સાથે છાણ અને ગોબરનો પણ યોગ્ય ઉપયોગ થઈ શકે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular