ટેકનોલોજી-સહકારી મોડેલના સંગમથી જ ભારતના ગતિશીલતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવી શકાય: પીયુષ ગોયલ
મુંબઈ, 25 એપ્રિલ 2026: શહેરી પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવવા અને ડ્રાઈવરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુંબઈમાં ‘ભારત ટેક્સી’ ડ્રાઈવર ઓનબોર્ડિંગ પહેલનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ પહેલ દ્વારા મુંબઈના હજારો ટેક્સી અને ઓટો-રિક્ષા ચાલકોને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડીને તેમની આવક અને આજીવિકામાં વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કાંદિવલી વેસ્ટ સ્થિત કમલા વિહાર સ્પોર્ટ્સ ક્લબ ખાતેઆયોજિત આ કાર્યક્રમમાં સેંકડો ડ્રાઈવરો, ટ્રાન્સપોર્ટ યુનિયનો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “ટેકનોલોજી અને સહકારી મોડેલના સંગમથી જ ભારતના ગતિશીલતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવી શકાય છે. ભારત ટેક્સી માત્ર એક પ્લેટફોર્મ નથી, પરંતુ ડ્રાઈવરોને વ્યવસાયિક ભાગીદાર બનાવી તેમની ગરિમા જાળવવાનું એક માધ્યમ છે.”
આ પહેલનો મુખ્ય હેતુ ડ્રાઈવરો માટે પારદર્શક સિસ્ટમ ઊભી કરવાનો છે. ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને ડ્રાઈવરો વધુ ગ્રાહકો સુધી પહોંચી શકશે અને વચેટિયાઓ વગર સીધી કમાણી કરી શકશે. ‘ડ્રાઈવર-ફર્સ્ટ’ અભિગમ સાથે આ પ્લેટફોર્મ મુસાફરો માટે પણ સલામત અને સુલભ મુસાફરી સુનિશ્ચિત કરશે. ભારત ટેક્સીના સીઓઓ વિવેક પાંડેએ કાર્યક્રમમાં પ્લેટફોર્મની પ્રગતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં 5.17 લાખથી વધુ ડ્રાઈવરો પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત 50 લાકથી વધુ નોંધાયેલા ગ્રાહકો છે. જ્યારે વિવિધ શહેરોમાં દર મહિને સરેરાશ 10 લાખ રાઈડ્સ દોડે છે. મુંબઈ હવે દિલ્હી એનસીઆર, ગુજરાત, ચંદીગઢ અને લખનૌ જેવા શહેરોની હરોળમાં જોડાયું છે જ્યાં આ નેટવર્ક સફળતાપૂર્વક કાર્યરત છે. આ વિસ્તરણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના વિઝનને અનુરૂપ છે, જેઓ આગામી ત્રણ વર્ષમાં ભારત ટેક્સીને દેશના તમામ મુખ્ય શહેરોમાં કાર્યરત જોવા માંગે છે. મુંબઈમાં આ શરૂઆત રાષ્ટ્રીય સ્તરે પરિવહન પ્રણાલીને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.
આ પણ વાંચોઃ પશ્ચિમ એશિયામાં તણાવ છતાં ભારતમાં ઈંધણ અને ઊર્જા પુરવઠો સુરક્ષિત: અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ


