નવી દિલ્હી, 29 એપ્રિલ 2026: હેટ સ્પીચના વધતા કિસ્સાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્દેશ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ અપરાધ માટે સજા નક્કી કરવી એ સંપૂર્ણપણે ધારાસભાના અધિકારક્ષેત્રમાં આવે છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે, દેશમાં હેટ સ્પીચને રોકવા માટે હાલના કાયદાઓ પૂરતા છે અને તેમાં કોઈ ‘કાયદાકીય શૂન્યાવકાશ’ નથી કે જેના કારણે ન્યાયતંત્રએ હસ્તક્ષેપ કરવો પડે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, બંધારણ મુજબ સત્તાના વિભાજનનો સિદ્ધાંત સર્વોપરી છે. અદાલતે નોંધ્યું કે, “કોઈપણ નવા ગુનાની વ્યાખ્યા નક્કી કરવી અથવા તેની સજા નક્કી કરવી એ સંસદ અને રાજ્ય વિધાનસભાઓનો વિશેષાધિકાર છે. ન્યાયતંત્ર કાયદાની વ્યાખ્યા કરી શકે છે, પરંતુ નવો કાયદો બનાવી શકતું નથી કે સરકારને કાયદો બનાવવા માટે મજબૂર કરી શકતું નથી.” સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય ફોજદારી કાયદાઓમાં હેટ સ્પીચ જેવા કિસ્સાઓ સામે કાર્યવાહી કરવાની પૂરતી જોગવાઈઓ છે. તેથી આ મુદ્દે અલગથી કોઈ જ્યુડિશિયલ ગાઈડલાઈન્સ (ન્યાયિક માર્ગદર્શિકા) બહાર પાડવાની જરૂર જણાતી નથી. અદાલતે ઉમેર્યું કે કાયદાનો અમલ કરાવવો એ સંબંધિત એજન્સીઓની જવાબદારી છે.
કોર્ટે લો કમિશનના 267માં રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં હેટ સ્પીચ અંગે સુધારાના સૂચનો આપવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે ફરીથી કહ્યું કે, જો ભવિષ્યમાં કોઈ નવી નીતિ કે કાયદાની જરૂરિયાત ઊભી થાય, તો તેના પર નિર્ણય લેવાનું કામ સંપૂર્ણપણે વિધાયી સત્તાવાળાઓનું છે. અદાલતે અવલોકન કર્યું કે ભારતીય લોકશાહીમાં ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારીની ભૂમિકાઓ સ્પષ્ટપણે વહેંચાયેલી છે. બંધારણીય અદાલતો મૌલિક અધિકારોના રક્ષણ માટે નિર્દેશો આપી શકે છે, પરંતુ તે ધારાસભાના કાર્યમાં દખલગીરી કરીને ‘કાયદા નિર્માતા’ બની શકે નહીં.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે RTE હેઠળ ફરજિયાત પ્રવેશને માન્ય રાખ્યો

