Site icon Revoi.in

સાપુતારાથી પરત ફરતા સુરતના પરિવારની કારને નડ્યો અકસ્માત, બાળકો સહિત 8 ઈજાગ્રસ્ત

Social Share

સુરત, 18 જુલાઈ 2026: દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારા પ્રવાસે ગયેલા સુરતના એક પરિવારની ખુશીઓ પળવારમાં ચિંતામાં ફેરવાઈ ગઈ છે. સાપુતારાથી વતન સુરત તરફ પરત ફરી રહેલા પરિવારની ઓવરલોડ કારને સામગહાન નજીક સામેથી આવી રહેલા એક આઈસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માત થતાં જ હાઈવે પર મસમોટો ધડાકો સંભળાયો હતો, જેને પગલે આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા 2 બાળકો અને 6 વડીલોને બહાર કાઢ્યા હતા. તમામ 8 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની સામગહાન સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી ગંભીર રીતે ઘવાયેલા એક દર્દીને વધુ સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતને પગલે સામગહાન હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડાંગ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે હાલ અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version