Site icon Revoi.in

NATOનો 32મો સભ્ય દેશ બન્યો સ્વીડન

Social Share

નવી દિલ્હીઃ યુરોપિયન દેશ સ્વીડન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે NATOનો 32મો સભ્ય બન્યો છે. મળતી માહિતી અનુસાર, સ્વીડન ઔપચારિક રીતે ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં ટ્રાન્સ-એટલાન્ટિક સૈન્ય જોડાણના 32મા સભ્ય તરીકે જોડાયું છે. સ્વીડનના પ્રધાન મંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન અને યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને એક સમારંભની અધ્યક્ષતા કરી હતી. જેમાં સ્વીડનના NATOમાં જોડાવા માટેનો દસ્તાવેજ સત્તાવાર રીતે વિદેશ વિભાગને સુપરત કરવામાં આવ્યું હતું. આ અવસર પર વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને તેને ઐતિહાસિક ગણાવ્યું છે. આ સાથે વ્હાઈટ હાઉસે નાટોને વિશ્વના ઈતિહાસમાં સૌથી શક્તિશાળી રક્ષણાત્મક ગઠબંધન ગણાવ્યું છે.

આ અવસરે યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું, સ્વીડન માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ ગઠબંધન માટે ઐતિહાસિક છે. આ ટ્રાન્સ-એટલાન્ટિક સંબંધોનો ઇતિહાસ છે. અમારું NATO ગઠબંધન હવે પહેલા કરતા વધુ મજબૂત અને મોટું બન્યું છે. આ સાથે વ્હાઇટ હાઉસે કહ્યું કે સ્વીડનને નાટો સહયોગી તરીકે રાખવાથી અમેરિકા અને અમારા સહયોગી દેશો વધુ સુરક્ષિત બનશે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નાટો દુનિયાના ઈતિહાસમાં સૌથી શક્તિશાળી રક્ષાત્મક ગઠબંધન છે, અને તે આજે આપણા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એટલું જ મહત્ત્વપૂર્ણ છે જેટલું 75 વર્ષ પહેલા હતું જ્યારે ગઠબંધનની સ્થાપ્ના દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન થઈ હતી. 

મહત્ત્વનું છે કે, સોવિયત યુનિયન સામે સામૂહિક સુરક્ષા આપવા માટે અમેરિકા, કેનેડા અને ઘણા પશ્ચિમી યુરોપિયન દેશોએ સાથે આવીને નાટોની સ્થાપના કરી હતી. નાટોની સ્થાપના એપ્રિલ 1949માં થઈ હતી, જેને ઉત્તર એટલાન્ટિક સંધિ (વૉશિંગ્ટન સંધિ) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લશ્કરી જોડાણ છે. તેનો હેતુ યુદ્ધ દરમિયાન મિત્ર દેશોને મદદ કરવાનો છે. હવે સ્વીડન પણ આ સંરક્ષણ સંગઠનમાં જોડાઈ ગયું છે. નાટોમાં જોડાનાર સ્વીડન 32મું સભ્ય બન્યું છે.