Site icon Revoi.in

રાજકોટમાં સ્વાઈન ફ્લુના કેસમાં થયો વધારો, છેલ્લા બે મહિનામાં 150થી વધુ કેસ નોંધાયા

Social Share

રાજકોટઃ શહેરમાં સ્વાઈન ફ્લુના કેસમાં વધારો થઈ રહ્યો છે. સામાન્યરીતે શિયાળાની ઠંડી ઋતુમાં સ્વાઈન ફ્લુના વધુ કેસ નોંધાતા હોય છે. પરંતુ ઉનાળાની ગરમીની સીઝનમાં પણ સ્વાઈન ફ્લુના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા બે મહિનાથી શહેરમાં સ્વાઈન ફ્લૂનાં 150થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે સ્વાઇન ફ્લૂને એક સામાન્ય ફ્લૂની શ્રેણીમાં મૂક્યો હોવાથી તેના સત્તાવાર આંકડાઓ નોંધાતા નથી.

આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજકોટ શહેરમાં સરકારી અને ખાનગી દવાખાનાંમાં છેલ્લા એકથી બે માસ દરમિયાન જ સ્વાઇન ફ્લૂનાં 150થી 200  જેટલાં કેસ નોંધાયા છે. સામાન્ય રીતે દર શિયાળામાં સ્વાઇન ફ્લૂના કેસો જોવા મળતા હોય છે. જોકે, હાલ ઉનાળાની શરૂઆતમાં પણ છેલ્લા 20 દિવસથી સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો નોંધાયો છે. સ્વાઇન ફ્લૂને H1N1 ફલૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2009માં કોરોનાની જેમ સ્વાઇન ફ્લૂ પણ પેંડેમીક જાહેર થયો હતો.  સ્વાઇન ફ્લૂનાં લક્ષણોમાં ગળું દુઃખવું, તાવ આવવો, માથું દુઃખવું અને કળતર થવા જેવા લક્ષણો  હોય છે. ઉપરાંત 2 દિવસમાં તાવ ઉતરી જાય પછી 4-5 દિવસમાં વધારે ઉધરસ થયા બાદ ઘણા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે. સામાન્ય રીતે સ્વાઇન ફ્લૂ ચેપી રોગ છે. જ્યારે કોઈ દર્દીને પૂછીએ કે ઘરમાં કોઈને તાવ હતો? ત્યારે જવાબ મળે છે કે હા. થોડા દિવસ પહેલા ઘરમાં બાળકો કે વડીલને તાવ આવ્યો હતો. ત્યારે સ્વાઈન ફ્લુ સામે લોકોએ વધુ તકેદારી રાખવાની જરૂર છે.

આરોગ્ય વિભાગેના સૂત્રોએ કહ્યું હતું કે, સ્વાઇન ફ્લૂ ચેપી રોગ હોવાથી તેમજ ઉધરસ અને શ્વાસ દ્વારા ફેલાતો હોવાથી ઘરમાં કે બહાર તેનો ફેલાવો ન થાય તે માટે લોકોએ માસ્ક પહેરવું જોઈએ. તેમજ ઓફિસમાં કોઈને તકલીફ હોય તો બીજા લોકોમાં ફેલાય નહીં તે માટે સ્વેચ્છાએ બે-ત્રણ દિવસ રજા લેવી જોઈએ. આવી જ રીતે બાળકોને તકલીફ થાય તો તેને સ્કૂલે મોકલવા જોઈએ નહીં. ઓવર ધ કાઉન્ટર એટલે કે, ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી લેવાતી દવાઓ જરાય હિતાવહ નથી. માટે આવી રીતે દવાઓ લેવાથી લોકોએ દૂર રહેવું જોઈએ. (File photo)