Site icon Revoi.in

કાંકરેજ તાલુકાના શિરવાડાનો તલાટી કમ મંત્રી 50 હજારની લાંચ લેતા રંગે હાથ પકડાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. હવે તો કોઈનો ય ડર ન હોય તેમ લાંચિયા કર્મચારીઓ બિન્દાસ્તથી લાંચ માગતા હોય છે. મોટાભાગના લાંચ માગવાના કિસ્સામાં લોકો એસીબીને ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. એટલે લાંચના કેસ પકડાતા નથી. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગામના તલાટીને રૂપિયા 50 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ પકડી પાડ્યા હતા.

એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિરવાડાના તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિને 50 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. શિરવાડા ગામમાં વિકાસના કામો અંતર્ગત રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું. જે કામનું બિલ મંજૂર કરવા તેમેજ પેમેન્ટના ચેકની પ્રક્રિયા જલ્દી કરવા અરજદાર કોન્ટ્રાક્ટર જોડે 50 હજારની લાંચ માંગી હતી. ત્યારે પાલનપુર ACBની ટીમે શિરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં જ તલાટી ભાવેશ પ્રજાપતિને 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને ACBની ટીમે લાંચિયા તલાટીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

એસીબીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  અરજદાર કોન્ટ્રાક્ટરે શિરવાડા ગામમાં સરકારી વિકાસના કામો અંતર્ગત રસ્તાનું કામ કર્યું હતું. જે કામોના બિલ મંજૂર કરવા તેમજ પેમેન્ટના ચેકની પ્રક્રિયા જલ્દી કરવા તલાટી કમ મંત્રીએ 50 હજારની લાંચની માગણી કરેલ હતી. જે લાંચની રકમ કોન્ટ્રાક્ટર આપવા માંગતા ના હોય કોન્ટ્રાક્ટરે એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેથી એસીબીએ ફરીયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં તલાટીએ કોન્ટ્રાક્ટરે પાસેથી લાંચની રકમ 50 હજાર માંગતા કોન્ટ્રાક્ટરે રકમ આપી હતી. જે રકમ તલાટીએ સ્વીકારતા જ એસીબી એ રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version