Site icon Revoi.in

અમદાવાદમાં ચાની કિટલીઓ પર હવે 60 માઈક્રોથી ઓછી જાડાઈની થેલીમાં ચા પાર્સલ આપી શકાશે નહીં

Social Share

અમદાવાદઃ શહેરમાં ચાની કિટલીઓ પર પેપર કપના વધેલા વપરાશને કારણે પર્યાવરણને નુકશાન થતું હતું તેમજ ચાના ખાલી પેપર કપને લીધે ગટરો પણ જામ થતી હતી. તેના લીધે મ્યુનિ,કોર્પોરેશને પેપર કપના વપરાશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જોકે મ્યુનિ.કમિશનરે લીધેલો નિર્ણય મ્યુનિના ભાજપના સત્તાધિશોને ગમ્યો નહતો. અને વિવાદ સર્જાયો હતો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ચાની કિટલીઓ પર પ્લાસ્ટિકની 60 માઈક્રોથી ઓછી જાડાઈની થેલીમાં અપાતા ચાના પાર્સલ પર પ્રતિબંધ મુકી દીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી કીટલીઓ અને લારીઓ પર પેપર કપ વાપરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના આ નિર્ણયને યથાવત રાખવામાં છે. આ ઉપરાંત તેનાથી પણ કડક કાર્યવાહીના ભાગરૂપે હવે ચાની કીટલીઓ ઉપર જે પાર્સલ કરવા માટેની 60 માઈક્રોનથી ઓછી જાડાઈની થેલીઓ વાપરવામાં આવે છે. ચાની કીટલીઓ ઉપર પણ આવી થેલીઓ મળી આવતી હોય છે જેના પર પ્રતિબંધ હોવા છતાં તેઓ વેચતા હોય છે. પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેતા હવે આવી ચાની થેલીઓ પણ બંધ થઈ જશે. શહેરમાં ઘણીબધી ચાની કીટલીઓ અને લારીધારકો દ્વારા આવી પ્લાસ્ટિકની થેલીમાં ચા ભરીને આપવામાં આવે છે અને તેની સાથે પણ પેપર કપ આપવામાં આવે છે. જેને લોકો રોડ ઉપર ફેંકી અને ગંદકી કરે છે. જેના કારણે હવે ચાની લારીઓ અને કીટલીઓ પર સંપૂર્ણપણે પેપર કપ અને 60 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચાની કીટલી પર પાર્સલ કરવા માટે આપવામાં આવતી થેલીઓના વપરાશ બંધ કરાવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સફાઈ અને ગંદકીને લઈ અને કડક કાર્યવાહી હાથ ધરી છે જેના ભાગરૂપે ચાની કીટલીઓ લારીઓ ઉપર ચા પીવા માટે વાપરવામાં આવતા પેપર કપ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ હવે કીટલીઓ પર ચા પાર્સલ કરવા માટે જે 60 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીનો વપરાશ કરવામાં આવે છે. તેને પણ બંધ કરવાની તજવીજ શરૂ કરી છે. મોટાભાગે ચા પાર્સલ કરવા માટે 60 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલી વાપરવામાં આવે છે જે પ્રતિબંધિત છે. છતાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. લોકો દ્વારા થેલીઓને પણ રોડ ઉપર કચરાની સાથે જ ફેંકવામાં આવે છે. રોડ ઉપર થઈ રહેલી આ ગંદકીને ધ્યાનમાં રાખી પેપર કપ ઉપરાંત હવે પ્લાસ્ટિકની થેલીઓને પણ બંધ કરાવવાની તજવીજ હાથ ધરાશે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ થેલીઓ ઉપર પણ વપરાશ બંધ કરાવવામાં આવશે. (file photo)