Site icon Revoi.in

શું તમારી સાથે પણ થયું છે ઑનલાઇન ફ્રોડ? તો આ રીતે પૈસા પરત મેળવો

Social Share

નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના યુગમાં સાઇબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. આજે ઑનલાઇન કામકાજ વધવાની સાથે હેકર્સો પણ બેફામ બન્યા છે. શાતિર હેકર્સ માત્ર મિનિટો જ તમારું એકાઉન્ટ હેક કરીને તેને સાફ કરી નાખે છે. ત્યારે તમે પણ ઑનલાઇન ફ્રોડના શિકાર બન્યા હોય અથવા તમારા કોઇ પરિચિતો સાથે ઑનલાઇન છેતરપિંડીનો બનાવ બન્યો હોય તો તમે પૈસાને પરત લાવી શકો છો.

ઑનલાઇન ફ્રોડ અંગેના રિપોર્ટની વાત કરીએ તો છેલ્લા 1 વર્ષમાં જ 2.7 કરોડથી વધારે લોકો આઇડેન્ટિટી ચોરના ટાર્ગેટ બન્યા છે.

લોકોની ખાનગી અને સંવેદનશીલ જાણકારીઓને હેક કરીને ચોરો ચોરીને અંજામ આપી રહ્યાં છે. ખાસ કરીને નાણાકીય છેતરપિંડી ખૂબ જ ખતરનાક છે કારણ કે તે કેસમાં પૈસા પરત આવે તેવી શક્યતા ખૂબ જ ઓછી અથવા નહીવત્ હોય છે. જો કે કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને તમે ઑનલાઇન ફ્રોડથી બચી શકો છો.

ઑનલાઇન ફ્રોડ માટે હેકર્સ નકલી વેબસાઇટ બનાવે છે જે અધિકૃત વેબસાઇટ જેવી જ આબેહૂબ લાગતી હોય છે. બેંકના નિયમો અનુસાર ચોરીની ફરિયાદથી લોકોને પૈસા પરત મળી શકે છે. તેના માટે બેંક ખાતાધારકે તરત તે ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલી તમામ જાણકારી બેંકને આપવાની રહેશે.

જો તમારા ઑનલાઇન ટ્રાન્ઝેક્શનમાં ફ્રોડ થયું છ તો તે નુકસાનને મર્યાદિત કરી શકાય છે. જો કે આ માટે ઑનલાઇન ફ્રોડના કિસ્સામાં બને તેટલી ઝડપે બેંકને માહિતગાર કરવું આવશ્યક છે.

મોટા ભાગની બેંકો હવે પોતાના ગ્રાહકોને ફાઇનાન્સિયલ ફ્રોડ ઇન્શ્યોરન્સની સુવિધા પૂરી પાડે છે. પૈસા ટ્રાન્સફર કરતી વખતે ફ્રોડ થાય તો ગ્રાહકે ત્વરિત બેંકને જાણ કરવાની રહે છે. બેંકને સૂચિત કર્યા બાદ, ગ્રાહકના જોખમને સીમિત કરતા તરત ઇન્શ્યોરન્સ કંપનીને ફ્રોડની જાણકારી આપવામાં આવે છે. આ પ્રકારે તમને તમારા પૈસા મળે છે.

આપને જણાવી દઇએ કે સામાન્યપણે બેંક 10 વ્યાવસાયિક દિવસોની અંદર નુકસાનની ભરપાઇ કરે છે. અનઑથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શનની ભરપાઇ સામાન્ય રીતે બેંકો અને વીમા કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. તે ઉપરાંત ગ્રાહકોને નકલી અથવા ફ્રોડ ટ્રાન્ઝેક્શનના ત્રણ દિવસની અંદર જ પોતાની બેંકને સૂચના આપવાની હોય છે. જો કોઇ સંજોગોને કારણે ગ્રાહક ફ્રોડ થયાના 3 દિવસની અંદર બેંકને જાણ નથી કરતા તો આ સ્થિતિમાં તેઓને આર્થિક નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.