Site icon Revoi.in

ટ્વીટરને ટક્કર આપી રહી છે આત્મનિર્ભર ભારત એપ, 10 કરોડ યૂઝર્સનો લક્ષ્યાંક

Social Share

નવી દિલ્હી: ભારતમાં વોટ્સએપની સાથોસાથ ટ્વીટરને લઇને પણ યૂઝર્સમાં નારાજગી છે ત્યારે ભારતમાં જ બનેલી સ્વેદેશી માઇક્રો બ્લોગિંગ એપ Kooની લોકપ્રિયતા વધી રહી છે. તેની લોકપ્રિયતા એ રીતે આંકી શકાય કે માત્ર થોડાક સમયમાં જ તેના 40 લાખ યૂઝર્સ થઇ ચૂક્યા છે અને કંપની આ વર્ષના અંત સુધી 10 કરોડ યૂઝર્સનો લક્ષ્યાંક ધરાવે છે. કંપનીના સહ સ્થાપક મયંક બિડાવાટાકાએ કહ્યું હતું.

મયંક બિડાવાટાકા અનુસાર, કંપની હાલમાં મોટા પાયે યૂઝર્સને સપોર્ટ પ્રોવાઇડ કરી શકે તે પ્રકારની ટેક્નોલોજીમાં રોકાણ કરી રહ્યું છે અને તેથી જ કંપની વધુને વધુ યૂઝર્સના ટ્રાફિક માટે પણ સજ્જ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે Kooને વૈશ્વિક કક્ષાની સર્વશ્રેષ્ઠ એપ બનાવવા માંગીએ છીએ અને તે ભારતના માઇક્રો બ્લોગ તરીકે ઓળખાય તેવું ઇચ્છીએ છીએ. અમારી ટીમ વધુને વધુ ઑનલાઇન ટ્રાફિકને હેન્ડલ કરવા માટે તૈયાર છે. અમે હાલમાં જ ફંડિગ કાર્ય પૂર્ણ કર્યું છે અને અમારી પાસે પુરતા પ્રમાણમાં નાણાકીય ભંડોળ છે.

Kooએ ફંડિગના ભાગરૂપે 4.1 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે. કંપની અનુસાર ઇન્ફોસિસના પૂર્વ અધિકારી મોહનદાસ પાઇએ પણ કંપનીમાં રોકાણ કર્યું છે.
આ એપ હાલમાં ખાસ કરીને કેન્દ્રિય મંત્રીઓમાં લોકપ્રિય બની ચૂકી છે. જેમાં ખાસ કરીને આઇટી મિનિસ્ટર રવિ શંકર પ્રસાદ પણ છે.

દેશભરના યૂઝર્સ પોતાની જ ભાષામાં પોતાના મંતવ્યો અને વિચારો વ્યક્ત કરી શકે તે માટે કંપની ટૂંક સમયમાં વધુને વધુ ભાષાને આ પ્લેટફોર્મમાં ઉમેરવાની યોજના પણ ધરાવે છે.

ગત વર્ષે ઑગસ્ટમાં યોજાયેલ આત્મનિર્ભર એપ ઇનોવેશન ચેલેન્જમાં પણ શ્રેષ્ઠ આત્મનિર્ભર એપનો કંપનીએ ખિતાબ જીત્યો છે અને ખુદ પીએમ મોદીએ પણ પોતાના મન કી બાત કાર્યક્રમમાં લોકોને આ એપનો ઉપયોગ કરવા માટે આહવાન કર્યું છે.

કુના સહસ્થાપકે જણાવ્યું હતું કે. એપનો મુખ્ય ઉદ્દેશ લોકોને એકબીજા સાથે જોડવા, ભારતનો અવાજ બનાવવા, નવા દૃષ્ટિકોણ મેળવવા, એકસમાન વિચારધારા ધરાવતા લોકોને મળાવીને એક અર્થસભર સંવાદ સ્થાપિત કરવો તેવો છે.

(સંકેત)