Site icon Revoi.in

દેશમાં દર ત્રીજો મોબાઇલ બને છે સાઇબર એટેકનો શિકાર: રિપોર્ટ

Social Share

નવી દિલ્હી: દેશમાં એક તરફ સ્માર્ટફોનનું ચલણ અને વપરાશ સતત વધી રહ્યો છે ત્યારે બીજી તરફ ઑક્ટોબર 2020 થી માર્ચ 2021ના 6 મહિનાના સમયગાળામાં દેશમાં મોબાઇલ સાઇબર એટેક્સમાં 840 ટકા જેટલો વધારો થવા પામ્યો છે. કોરોના સંકટને કારણે હાલમાં મોટા ભાગનું કોર્પોરેટ જગત વર્ક ફ્રોમ હોમ તરફ વળ્યું છે અને વિદ્યાર્થીઓ પણ ઘરે બેસીને ઑનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે સાઇબર હુમલામાં થયેલો આ વધારો ચિંતાજનક કહેવાય.

ગત વર્ષના ઑક્ટોબર મહિનામાં મોબાઇલ સાઇબર એટેક્સનો આંક 1345 રહ્યો હતો તે વર્તમાન વર્ષના માર્ચમાં વધીને 12719 પહોંચી ગયો હતો એમ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

હાલમાં કોરોના સંકટને કારણે મોટા ભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ માટે છૂટ આપી રહી છે અને ઑનલાઇન શિક્ષણ પણ ચાલી રહ્યું છે જેને કારણે હાલમાં સંખ્યાબંધ મોબાઇલ એપ્સનો ઉપયોગ વધ્યો છે. આ જ કારણોસર સાઇબર હુમલાની સંખ્યામાં પણ ઉછાળો નોંધાયો છે.

ગત વર્ષે કોરોનાને કારણે લદાયેલા દેશવ્યાપી લોકડાઉન બાદ ભારતના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરોએ જણાવ્યું હતું કે, તેમને દર બીજા દિવસે કંપનીઓ તરફથી સાઇબર એટેક્સના એલર્ટ્સ પ્રાપ્ત થઇ રહ્યા છે, જે લોકડાઉન પૂર્વે સપ્તાહમાં સરેરાશ 1 ફરિયાદ મળતી હતી.

કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમની કાર્યપ્રણાલી અમલમાં આવતા મોબાઇટ એટેકમાં નાટકીય રીતે વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે વર્ષ 2020માં અંદાજે દરેક કંપનીએ એક મોબાઇલ માલવેર હુમલાનો સામનો કર્યો હતો.

(સંકેત)