Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલો, બે પોલીસ કર્મચારીઓ થયા શહીદ

Social Share

શ્રીનગરઃ ઉત્તરી કાશ્મીરના સોપોરમાં અરમાપોરા નજીક સવારે આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમ ઉપર હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મચારીઓ શહિદ થયાં હતા. જ્યારે બે નાગરિકોના પણ મોત થયાં હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. તેમને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ ચક્રોગિતમાન કર્યાં છે.

ડીજીપી દિલબાગસિંહે હુમલા પાછળ આતંકવાદી સંગઠન લશ્કરનો હાથ હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે ચાર વ્યક્તિઓના અવસાનની પણ પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું હતું કે, હુમલામાં બે પોલીસ કર્મચારીઓ શહીદ થયાં છે. જ્યારે બે સામાન્ય નાગરિકો પણ મોતને ભેટ્યાં છે. આ ઉપરાંત ત્રણ પોલીસ કર્મચારી સહિત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓને સુરક્ષાદળોની સંયુક્ત ટીમ ઉપર અચાનક ફાયરિંગ શરૂ કર્યું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. તેમજ આતંકવાદીઓને ઝડપી લેવા માટે કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ઘાટીમાં પોલીસ અને સીઆરપીએફની નાકા પાર્ટી પર 24 કલાકની અંદર આ બીજો હુમલો થયો છે. આ પહેલા શુક્રવારે શોપિયામાં લિટર અગ્લર વિસ્તારમાં તૈનાત પોલીસ અને સીઆરપીએફ જવાનો ઉપર હુમલો કર્યો હતો. આતંકવાદી સંગઠન સતત સુરક્ષાદળોને નિશાન બનાવવાનું કાવતરુ ઘડી રહ્યાં છે. ઘાટીમાં આતંકવાદીઓના બે કાવતરાને પોલીસે નિષ્ફળ બનાવ્યું હતું. શ્રીનગર નિગમ બહાર અને ત્રાલમાં આઈઈડી પ્લાન્ટ કરવામાં આવ્યાં હતા. જો કે, સુરક્ષાદળોએ આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું.