Site icon Revoi.in

ધન્ય છે, સિવિલ હોસ્પિટલના તબીબો સહિત 2500 સ્ટાફને કે મહિનાથી એક પણ રજા લીધી નથી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, ત્યારે તબીબી આલમ માટે દર્દીઓની સારવાર પણ પડકારરૂપ બની છે. મોટાભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ અવિરત દર્દીઓની સેવામાં જોતરાયેલા રહે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “આ પાર કે પેલે પાર”ના ધ્યેય સાથે જીવસટોસટની બાજી ખેલી રહ્યો છે. વર્તમાન સમયમાં સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલ તથા મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં નવનિર્મિત કિડની હોસ્પિટલની ઇમારતમાં કાર્યરત કોવિડ સુવિધાઓમાં વિવિધ કેડરના કુલ 2580 લોકોનો મેડિકલ સ્ટાફ દિન-રાત જોયા વિના માત્ર ને માત્ર દર્દીઓ માટે ‘રાઉન્ડ ધ ક્લોક’ કામ કરી રહ્યો છે.

શહેરની સિવિલ હોસ્પિટલ જ નહીં પણ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં પણ તબીબો અને નર્સિંગ સ્ટાફે હોસ્પિટલને જ પોતાનું ઘર બનાવી દીધુ છે. એટલે તબીબો કે નર્સિંગ સ્ટાફ 24 કલાક દ્રદીઓની સેવામાં લાગેલો રહે છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફની દર્દીઓ પ્રત્યેની સમર્પિતતાનો ખ્યાલ એના પરથી મળી શકે કે આવી કઠિન પરિસ્થિતિમાં પણ 528 ડોક્ટર, 655 નર્સ, 301 પૅરા મેડિકલ કર્મચારી, 887 સફાઇકર્મી, 153 સુરક્ષાકર્મી, 14 કાઉન્સેલર, 25 દર્દી સહાયક અને 15 પી.આર.ઓ. એમ કુલ 2580  મેડિકલ સ્ટાફે દર્દીઓ ખાતર ઘણા દિવસોથી એક પણ રજા લીધી નથી. ડોક્ટર્સ સહિતનો 80 જેટલો મેડિકલ સ્ટાફ પણ કોરોનાની આ ઘાતક લહેરમાં સંક્રમિત થયો છે, પણ આ તમામ સ્ટાફ મેમ્બર્સે સાજા થયા બાદ પુનઃ ફરજ પર જોડાઇ જઇ ફરજ પ્રત્યેની પોતાની કર્તવ્યનિષ્ઠા દર્શાવી છે.

સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા તમામ દર્દીઓ માટે મોંઘા ઇન્જેક્શન, દવાઓ સમયસર પર્યાપ્ત જથ્થામાં હોસ્પિટલમાં પુરા પાડવામાં આવી રહી છે. સરકારી સિવિલ હોસ્પિટલમાં ટોસીલીઝૂમેબ અને રેમડેસિવીર જેવા અત્યંત મોંઘા ઇન્જેક્શનની સારવાર પણ દર્દીને નિઃશુલ્ક આપવામાં આવે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને સતત સારી સારવાર મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની બહાર હોસ્પિટલ અને મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ સ્થિત કિડની હોસ્પિટલમાં દર્દીના સગાને રોકાણ માટે ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ મહામારી ચેપી હોવાથી દર્દીના સગાનું દર્દી પાસે રહેવું હિતાવહ નથી. તેથી દર્દીના સગાઓ- દર્દીના સ્વજનો વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી સાથે વાતચીત કરી શકે તે માટે વીડિયો કોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.