- કાર્યક્રમમાં ભાગ લેવા ધો. ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો-વાલીઓ માટે સ્પર્ધાનું આયોજન
- સ્પર્ધામાં સહભાગીઓને NCERT દ્વારા પ્રમાણપત્ર અપાશે
- વિદ્યાર્થીઓ તથા શાળાઓના પસંદગી પામેલા પોસ્ટર-ક્રિએટિવ વિડિયો MyGov પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરાશે
નવી દિલ્હી, 5 ડિસેમ્બર, 2025ઃ Pariksha Pe Charcha વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિદ્યાર્થીઓ સાથેના અનોખા ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ, ‘પરીક્ષા પે ચર્ચા’ની ૯મી આવૃત્તિ જાન્યુઆરી-૨૦૨૬માં યોજાવાની છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ધોરણ-૬ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો – વાલીઓ માટે તા. ૧ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન https://innovateindia1.mygov.in પર ઓનલાઈન MCQ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા દ્વારા સહભાગીઓને તેમના પ્રશ્નો વડાપ્રધાન સમક્ષ રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. NCERT દ્વારા શોર્ટલીસ્ટ કરવામાં આવેલા પસંદગીના પ્રશ્નોનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સહભાગીઓને NCERT દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ કાર્યક્રમના પ્રચાર-પ્રસાર માટે શાળાઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને #PPC2026 ટેગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ તથા શાળાઓ પોતાના પોસ્ટર-ક્રિએટિવ વીડિયો વગેરે બનાવીને પણ પોસ્ટ કરી શકે છે, જેમાંથી પસંદ કરેલા વિડિયોઝને MyGov પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવશે.
‘પરીક્ષા પે ચર્ચા-2026’ કાર્યક્રમમાં મહત્તમ વિદ્યાર્થીઓ સહભાગી થાય તે માટે રાજ્યની તમામ શાળાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ અંગે જરૂરી જાણકારી આપવા શાસનાધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને શિક્ષણાધિકારીઓને જાણ કરવામાં આવી છે.
જિલ્લાની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે તેમજ અન્ય તમામ બોર્ડ સાથે સંલગ્ન શાળાઓના ધોરણ-૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માટે પસંદગીની તક મેળવી તેમાં મહત્તમ વિદ્યાર્થીઓ સહભાગી થાય તે માટે શાળાઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

