Site icon Revoi.in

ત્રણેય કૃષિ કાયદા સંસદમાં પરત નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશેઃ રાકેશ ટિકૈતે

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ગુરુ નાનક જયંતિના અવસર પર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીની આ જાહેરાત બાદ તમામ મોટા નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કાયદો પાછો ખેંચવા મુદ્દે ખેડૂતોના આંદોલનમાં મોખરે રહેલા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે માત્ર જાહેરાતથી કંઈ થશે નહીં, જ્યાં સુધી આ કાયદા સંસદમાં રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન સમાપ્ત થશે નહીં.

·         અન્યાય સામેની જીત બદલ અભિનંદનઃ રાહુલ ગાંધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચ્યા બાદ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “દેશના અન્નદાતાઓએ સત્યાગ્રહથી અહંકારનું માથું નમાવ્યું છે. અન્યાય સામેની આ જીત બદલ અભિનંદન. જય હિંદ, જય હિંદ કા કિસાન.”

ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચ્યા બાદ રાકેશ ટિકૈતે કહ્યું છે કે આંદોલન તરત જ પાછું ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ રદ કરવામાં આવશે. એમએસપી ઉપરાંત ખેડૂતોના અન્ય મુદ્દાઓ ઉપર પણ સરકારે ચર્ચા કરવી જોઈએ.

·         હારના ડરથી નિર્ણયો લેવાયા હતા – સંજય રાઉત

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, “આજે સરકારને ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવા પડ્યા છે, રાજકીય કારણોસર તે પાછા ખેંચવામાં આવ્યા છે, પરંતુ હું તેનું સ્વાગત કરું છું. પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં હારના ડરને કારણે આ કાયદાઓ પાછા ખેંચવામાં આવ્યા છે. અંતે ખેડૂતોની જીત થઈ.”

·         સત્તાનું અભિમાન તૂટી ગયું – ચંદ્રશેખર

ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા બાદ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરે કહ્યું હતું કે, “આગામી ચૂંટણીના કારણે પણ સરકારને ઝુકવું પડ્યું. સત્તાનું અભિમાન તૂટી ગયું અને ખેડૂતોના સંઘર્ષની જીત થઈ. આ બંધારણની જીત થઈ છે. જો કે, આ જીત સાથે સેંકડો ખેડૂતોએ ટે પોતાની શહીદી આપી છે, તેમને નમન.

·         ચૂંટણીમાં હારના ડરથી લેવાયો નિર્ણય- નવાબ મલિક

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે પીએમ મોદીના કૃષિ કાયદો પાછો ખેંચવાના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આજથી ત્રણેય કૃષિ કાયદા આ દેશમાં રહેશે નહીં. દેશને એક મોટો સંદેશ ગયો છે કે જો દેશ એક થાય તો કોઈપણ નિર્ણય બદલી શકાય છે. ચૂંટણીમાં હારના ડરથી વડાપ્રધાને ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા. ખેડૂતોની જીત એ દેશવાસીઓની જીત છે.