Site icon Revoi.in

નર્સોની તંગી પુરી કરવા કોવિડ કેર સેન્ટરમાં સેનાએ BFNA તૈનાત કર્યા

Social Share

અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસના કેસ વધતા સેના પણ હવે મદદમાં આવી રહી છે. કોરોનામાં દર્દીઓને પુરી સારવાર મળી રહે તે માટે સેના દ્વારા કોવિડ સેન્ટર પર BFNA તૈનાત કર્યા છે. BFNA એટલે કે બેટલફિલ્ડ નર્સિંગ આસિસ્ટન્ટ. સેનાના બેટલફિલ્ડ નર્સિંગ આસિસ્ટન્ટની મદદથી કોરોનાની બીજી લહેરમાં નર્સોની તંગીને દુર કરી શકાશે.

આ બાબતે સેનાના ડેપ્યુટી ચીફ ઓફ ઈન્ટીગ્રેટેડ સ્ટાફ (મેડિકલ) લેફ્ટિનન્ટ જનરલ માધુરી કાનિતકરે મીડિયાને જણાવ્યું હતુ કે બીએફએનએ યુદ્ધ દરમિયાન હોસ્પિટલોમાં ઘાયલ સૈનિકોની સારવારમાં મદદ માટે તૈયાર કરવામાં આવે છે. તેઓ યુદ્ધની સ્થિતિમાં ઈન્જેક્શન લગાવવાનું, શ્વાસ લેવામાં મદદ કરવા સહિતની સામાન્ય પાયાની સ્વાસ્થ્ય દેખભાળ સુવિધાઓ આપવા માટે પ્રશિક્ષિત હોય છે.

કાનિતકરના કહેવા પ્રમાણે બીએફએનએ યુવાન સ્વયંસેવકોને પણ પ્રશિક્ષિત કરી શકે છે જેથી પ્રશિક્ષિત નર્સો પરનું કામનું ભારણ હળવું થઈ શકે. આ સંજોગોમાં પ્રશિક્ષિત નર્સો મહામારી સામેની લડાઈમાં વધુ મહત્વના કામમાં ઉપયોગી થઈ શકશે.

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરના કારણે અસંખ્ય લોકોને તકલીફ પડી છે અને કેટલાક લોકોએ પોતાના સ્વજનોને પણ ગુમાવ્યા છે. આ પ્રકારની હાલાકી અને તક્લીફ બીજાને ન પડે તે માટે હવે સેના પણ આ મોર્ચે લોકોને મદદ માટે આવી રહી છે.