Site icon Revoi.in

જ્ઞાનવાપીમાં મસ્જિદ સંકુલમાં વહીવટીતંત્રની દરમિયાનગીરીથી ASIએ ભોંપરુ ખોલાવી તપાસ કરી

Social Share

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેનો આજે બીજો દિવસ છે, સવારથી ASIની ટીમ રેડિયેશન ટેકનિક દ્વારા મસ્જિદ સંકુલની તપાસ કરી રહી હતી. દરમિયાન આજે વહીવટીતંત્રની દરમિયાનગીરી બાદ અહીંનું ભોંયરું ખોલવામાં આવ્યું હતું. મસ્જિદના કેરટેકર એજાઝ અહેમદે થોડા સમય પહેલા ભોંયરાના તાળા ખોલ્યા હતા. જે બાદ ASIની ટીમ ભોંયરામાં અંદર પ્રવેશી હતી. ટીમ વજુખાના સિવાય દરેક જગ્યાએ બારીકાઈથી તપાસ કરી હતી.

શનિવારે જ્ઞાનવાપીના સર્વે દરમિયાન વહીવટીતંત્રે ભોંયરું ખોલવા જણાવ્યું હતું, શરૂઆતમાં અંજુમન વ્યવસ્થા સમિતિએ ભોંયરાની ચાવી આપી ન હતી, પરંતુ વહીવટીતંત્રની દરમિયાનગીરી બાદ મસ્જિદના કેરટેકર એજાઝ અહેમદે તાળું ખોલ્યું હતું. જે બાદ સર્વે ટીમ ભોંયરામાં પ્રવેશી હતી. ASIની ટીમ અહીં તમામ બાબતોની બારીકાઈથી તપાસ કરી હતી. ASI સર્વે ટીમનું માનવું છે કે ભોંયરામાં મહત્વપૂર્ણ તથ્યો છુપાયેલા છે.

ભોંયરુંનું તાળું ખોલ્યા પછી, હિન્દુ પક્ષ સાથે સંકળાયેલા સૂત્રોએ દાવો કર્યો હતો કે, ભોંયરામાં ચાર ફૂટની મૂર્તિ મળી છે, જેના પર કેટલીક કલાકૃતિઓ છે. ASI તેના હાઇટેક ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મૂર્તિનો સમયગાળો શોધી રહી છે. સૂત્રોનું માનીએ તો, મૂર્તિ સિવાય બે ફૂટનું ત્રિશૂલ પણ મળી આવ્યું છે, તેમજ દિવાલ પર પાંચ કલશ અને કમળની નિશાની પણ મળી આવી છે. વજુખાનાને બાદ કરતાં આજે પણ જ્ઞાનવાપીમાં સર્વેની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગઈકાલથી અત્યાર સુધી મસ્જિદના રકબા નંબર 9130ના બેરિકેડેડ વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી હતી. હવે ASIની ટીમ પણ ભોંયરામાં પહોંચી હતી. બિલ્ડીંગની બહારની દિવાલોની આસપાસ જીપીઆરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સર્વે દરમિયાન જ્ઞાનવાપીમાં મુસ્લિમ પક્ષના 9 અને હિન્દુ પક્ષના 7 લોકો હાજર છે. મુસ્લિમ પક્ષના વકીલે ASI પર આરોપ લગાવ્યો છે કે ASIએ અમને સર્વેની નોટિસ પણ આપી નથી.

Exit mobile version