Site icon Revoi.in

કેન્દ્ર સરકાર બફર સ્ટોકમાંથી એક લાખ ટન ડુંગળીનું વેચાણ કરશે

Social Share

દિલ્હી: તહેવારોની મોસમ દરમિયાન કિંમતોને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે નવેમ્બરમાં છૂટક બજારોમાં તેના બફર સ્ટોકમાંથી એક લાખ ટન ડુંગળી છોડવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત શુક્રવારે 100થી વધુ શહેરોમાં ડુંગળી છોડવામાં આવશે.

ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમારે જણાવ્યું હતું કે સરકારના હસ્તક્ષેપને કારણે કાનપુર, લખનૌ, વારાણસી, ઇન્દોર, ભોપાલ, રાયપુર, રાંચી, જયપુર અને કોટા સહિતના ઘણા શહેરોમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ડુંગળી 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) એ શુક્રવારે જણાવ્યું હતું કે તે દિલ્હી અને આસપાસના વિસ્તારો સિવાય જમ્મુ અને કાશ્મીરથી કેરળ સુધીના તમામ રાજ્યોમાં 25 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા ભાવે ડુંગળી વેચશે. તેનો હેતુ ગ્રાહકોને ડુંગળીના ઊંચા ભાવથી રાહત આપવાનો છે.

NCCF, કેન્દ્ર સરકાર વતી 9 સપ્ટેમ્બરથી દિલ્હી અને તેની આસપાસના 100 વિવિધ સ્થળોએ રાહત દરે ડુંગળીનું છૂટક વેચાણ શરૂ કર્યું છે. સહકારી સંસ્થા છેલ્લા બે અઠવાડિયાથી શ્રીનગર, જયપુર, વારાણસી અને દિલ્હી-NCRમાં Paytm, MagicPin અને MyStore દ્વારા ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) પ્લેટફોર્મ પર ડુંગળીનું ઓનલાઈન વેચાણ કરી રહી છે.અત્યાર સુધીમાં 416 વાન ચાલી રહી છે અને છૂટક બજારોમાં 2,219.61 ટન ડુંગળીનું વેચાણ થયું છે. NCCF ચાલુ વર્ષ માટે સરકારના 5 લાખ ટનના બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ કરી રહી છે.