Site icon Revoi.in

દેશને પ્રથમ હાઈસ્પીડ રેપિડ ટ્રેન ‘નમો ભારત’ની ભેટ મળી, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

Social Share

દેશની પ્રથમ રેપિડ રેલ (નમો ભારત) દેશની જનતાને મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદના વસંધરા સેક્ટર-8માં બનેલા સ્ટેશનથી મનો ભારતને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ સેવા 21મી ઓક્ટોબરથી પ્રજા માટે શરુ થઈ જશે. પ્રથમ ફેઝમાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના 17 કિમીની યાત્રા કરી શકાશે. આ યાત્રા માત્ર 12 મિનિટમાં જ પુર્ણ થશે. પીએમ મોદીએ ઉદ્ઘાટન બાદ ટ્રેનમાં પ્રવાસ કરીને વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે વાતચીત કરી હતી.

 

આ કોરિડોરની લંબાઈ 82 કિમી જેટલી છે. જે પૈકી 14 કિમીનો વિસ્તાર દિલ્હીમાં અને 68 કિમીનો વિસ્તાર ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ એટલે કે એનસીઆરટીસી-એનસીઆરમાં આ આરઆરટીએસનું નેટવર્ક તૈયાર કર્યું છે. જેમાં દિલ્હી મેટ્રોની અલગ-અલગ લાઈનો જોડવામાં આવશે. જે અલવર, પાનીપત અને મેરઠ જેવા શહેરોને દિલ્હી સાથે જોડશે.

પીએમ મોદીએ ટ્રેનને લીલી ઝંડી દેખાડ્યા બાદ તેમાં બેસીને પ્રવાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે ટ્રેનમાં પ્રવાસ કરતા સ્કૂલના બાળકો સાથે સંવાદ કર્યો હતો. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો ભારતના ક્રુ મેમ્બર સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો ભારત ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું તે પ્રસંગ્રે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી સાહિબાબાદમાં રોડ શો કર્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું.

નમો ભારત ટ્રેન બુલેટ અને મેટ્રો ટ્રેન જેવી લાગે છે. તેના દરવાજા મેટ્રોની જેમ જ ખુલે છે અને બંધ થાય છે. તેની સીટો રાજધાની ટ્રેન જેવી લક્ઝરી સીટો જેવી બનાવવામાં આવી છે. હાલમાં, તેમાં 6 કોચ લગાવવામાં આવ્યા છે, આગામી દિવસોમાં વધારો કરવામાં આવે તેવી શકયતા છે.