કોલકાતા, 20 જાન્યુઆરી 2026: ભારતમાં અત્યાર સુધી વાઘ, સિંહ અને હાથીઓની ગણતરીના સમાચાર આપણે સાંભળ્યા છે, પરંતુ હવે દેશમાં પ્રથમ વખત ઘુવડની ગણતરી કરવામાં આવશે. આ ઐતિહાસિક પહેલની શરૂઆત પશ્ચિમ બંગાળથી થવા જઈ રહી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળ ઘુવડની વસ્તી ગણતરી કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની જશે.
રાજ્યમાં ઘુવડની ગણતરીનું કામ આવતા મહિનાથી શરૂ કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પક્ષી પ્રેમી સંગઠન ‘બર્ડ્સ વોચર્સ સોસાયટી’ની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં ડબલ્યુડબલ્યુએફ-ઈન્ડિયા અને રાજ્ય વન વિભાગ પણ સહયોગ આપશે. આ સર્વે મે મહિના સુધી ચાલશે, જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં ઘુવડના રહેઠાણો અને તેમની વર્તમાન સ્થિતિ જાણવાનો છે.
ભારતમાં ઘુવડની કુલ 36 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી 23 પ્રજાતિઓ એકલા પશ્ચિમ બંગાળમાં જ વસવાટ કરે છે. ઉત્તરમાં હિમાલયના પહાડી વિસ્તારોથી લઈને દક્ષિણમાં સુંદરબનના જંગલો સુધી આ પક્ષીઓ ફેલાયેલા છે.
સર્વેક્ષણ દરમિયાન મુખ્યત્વે ત્રણ પ્રજાતિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. બ્રાઉન ફિશ આઉલ કદમાં મોટા હોય છે. કાન પર કલગી, ચમકતી પીળી આંખો અને ભૂરા પટ્ટાવાળા પીંછા તેની ઓળખ છે. તે માછલી અને નાના જળચર જીવોનો શિકાર કરે છે. ઓરિયન્ટલ બે આઉલ કદમાં નાના અને વિશિષ્ટ દેખાવ ધરાવે છે. યુરેશિયન સ્કોપ્સ આઉલ પણ કદમાં નાના હોય છે. તેમના માથા પર નાના પીંછાના ગુચ્છા હોય છે. તેમની રાખોડી-ભૂખરી પાંખો ઝાડની છાલ સાથે ભળી જાય તેવી હોય છે, જેથી તેમને શોધવા મુશ્કેલ હોય છે.
આ સર્વે શરૂ કરવા પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં ફરક્કા વિસ્તારમાં જોવા મળેલું દુર્લભ ‘ઓસ્ટ્રેલિયન ગ્રાસ આઉલ’ છે. આ ઘટનાએ પક્ષીશાસ્ત્રીઓને ચોંકાવી દીધા હતા. આ સર્વેક્ષણનો હેતુ માત્ર પ્રજાતિઓની ઓળખ પૂરતો સીમિત નથી. વધતા શહેરીકરણ, જંગલોનો નાશ, લાઈટ અને અવાજના પ્રદૂષણને કારણે ઘુવડના કુદરતી રહેઠાણો પર શું અસર થઈ રહી છે, તેનો પણ અભ્યાસ કરવામાં આવશે. આ ડેટાના આધારે ભવિષ્યમાં તેમના સંરક્ષણ માટે ચોક્કસ રણનીતિ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતઃ સમુદ્રમાં જોવા મળ્યો ઉકળતા પાણીનો વિશાળ વિસ્તાર, જુઓ VIDEO

