Site icon Revoi.in

ખાનગી શાળાઓમાં પ્રવેશનો ક્રેઝ ઘટ્યો, 5 લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

Social Share

અમદાવાદઃ કોરોનાનો બીજો કાળ તો પુરો થઈ ગયો છે પણ કોરોનાના બીજા કાળમાં અસંખ્ય પરિવારોની આર્થિક હાલત ડામાડોળ બની હતી તે હજુ સુધરી નથી. મધ્યમ વર્ગના પરિવારોને પણ હવે પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણવા મોકલવાનું પરવડતું નથી. આથી ઘણા પરિવારોએ પોતાના ભાળકોને ખાનગી શાળાઓમાંથી ઉઠાવી લઈને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે. એક અંદાજ મુજબ રાજ્યમાં પાંચ લાખ બાળકોએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં અમદાવાદમાં 8500 બાળકોએ ખાનગી શાળાઓમાંથી મ્યુનિ.ની શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

સૂત્રોના જણાયા મુજબ માર્ચ 2020માં કોરોનાએ ગુજરાતમાં પગપેસારો કર્યો હતો. ત્યારબાદ ગુજરાતમાં 5 લાખ જેટલા વિદ્યાર્થીઓને પ્રાઈવેટ સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલ અથવા અર્ધ-સરકારી સ્કૂલમાં એડમિશન અપાવાયું હતું. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સચવાયેલા ડેટા પ્રમાણે, 2020-21માં 2.82 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી કે અર્ધ-સરકારી શાળાઓમાં એડમિશન લીધું છે. કોરોનાની ઘાતક બીજી લહેર બાદમાં 2021-22ના વર્ષમાં ઓગસ્ટ મહિના સુધીમાં વધુ 2.27 લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં એડમિશન લીધું છે. ખાનગીમાંથી સરકારી શાળામાં એડમિશન લેવાનું કારણ મહામારીના કારણે સર્જાયેલી આર્થિક તંગી છે. મહામારીના લીધે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘણાં લોકો જીવ અને રોજગાર ગુમાવ્યો છે. આ સમયમાં વાલીઓના મોટા વર્ગને ખાનગી સ્કૂલોમાં પોતાના સંતાનને ભણાવવા માટે આપવી પડતી 15,000થી 30,000 રૂપિયાની વાર્ષિક ફી બોજરૂપ લાગવા માંડી. વળી, છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ પણ બંધ છે. અર્ધ-સરકારી સ્કૂલોમાં વાર્ષિક ફી ઘટીને 600-900 રૂપિયા થઈ જાય છે જ્યારે સરકારી સ્કૂલમાં ભણવા માટે કોઈ ફી ચૂકવવી પડતી નથી.

ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના અગ્રણીએ જણાવ્યું હતું કે, ગામડાં અને નાના શહેરોમાં આવેલી ખાનગી સ્કૂલોને સૌથી વધુ ફટકો પડ્યો છે. શહેરો, ગામડાં અને ટાઉનમાં રહેતા પરિવારોની આવક ઘટી છે. પોતાના સંતાનનું એડમિશન રદ્દ કરાવતી વખતે વાલીઓ આર્થિક તંગીનું જ કારણ આપે છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના એડમિનિસ્ટ્રેટર લગ્ધિર દેસાઈએ જણાવ્યું, શહેરના 8500 જેટલા વિદ્યાર્થીઓએ પ્રાઈવેટ સ્કૂલ છોડીને મ્યુનિની સ્કૂલોમાં એડમિશન લીધું છે. વિના મૂલ્યે શિક્ષણ, સુધરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈંગ્લિશ મીડિયમ સ્કૂલોની શરૂઆત આ પરિવર્તનનું કારણ છે.

 

Exit mobile version