લખનૌઃ ઉત્તરપ્રદેશમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બુંદેલખંડ એક્સપ્રેસ-વે ખુલ્લો મુકવામાં આવ્યો છે. દરમિયાન આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજકાલ આપણા દેશમાં મફત રેવડી વહેંચીને વોટ એકત્રિત કરવાની સંસ્કૃતિ લાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. આ રેવડી દેશના વિકાસ માટે ખુબ જ ખતરનાક છે.
પીએમ મોદીએ કહ્યું કે બુંદેલખંડના વિકાસમાં અહીંના કુટીર ઉદ્યોગોની મોટી શક્તિ છે. આત્મનિર્ભર ભારત માટે અમારી સરકાર દ્વારા પણ આ કુટીર પરંપરા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મેક ઈન ઈન્ડિયા આ કુટીર પરંપરાથી સશક્ત થવા જઈ રહ્યું છે. અમારી સરકાર બુંદેલખંડના બીજા પડકારને ઘટાડવા માટે સતત કામ કરી રહી છે. અમે દરેક ઘર સુધી પાઈપથી પાણી પહોંચાડવા માટે જલ જીવન મિશન પર કામ કરી રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે, દરેક વસ્તુ જે દેશને નુકસાન પહોંચાડે છે, દેશના વિકાસને અસર કરે છે, આપણે તેને દૂર રાખવું પડશે. PM એ કહ્યું કે આજકાલ આપણા દેશમાં મફત રેવડી વહેંચીને વોટ એકત્રિત કરવાની સંસ્કૃતિ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ રેવાડી સંસ્કૃતિ દેશના વિકાસ માટે ખૂબ જ ખતરનાક છે. દેશની જનતાએ આ રેવડી કલ્ચરથી ખૂબ જ સાવચેત રહેવું પડશે.
પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં જ આપણે સમયની મર્યાદાનું કેવી રીતે પાલન કરીએ છીએ તેના અસંખ્ય ઉદાહરણો છે. કાશીમાં વિશ્વનાથ ધામના બ્યુટિફિકેશનનું કામ અમારી જ સરકારે શરૂ કર્યું હતું અને તે અમારી સરકારે પૂરું કર્યું હતું. અમારી સરકારે ગોરખપુર એઈમ્સનો શિલાન્યાસ પણ કર્યો હતો અને તેનું ઉદ્ઘાટન પણ અમારી સરકારમાં જ થયું હતું. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન બંને અમારી સરકારમાં થયા. બુંદેલખંડ એક્સપ્રેસ વે પણ તેનું ઉદાહરણ છે. તેનું કામ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ તે 7-8 મહિના અગાઉથી સેવા માટે તૈયાર છે.
પીએમ મોદીએ કહ્યું કે એક સમયે યુપીમાં માત્ર 12 મેડિકલ કોલેજ હતી, આજે યુપીમાં 35થી વધુ મેડિકલ કોલેજ છે અને 14 નવી મેડિકલ કોલેજમાં કામ ચાલી રહ્યું છે. આજે દેશ જે વિકાસના પ્રવાહ પર ચાલી રહ્યો છે તેના મૂળમાં બે પાસાઓ છે. એક ઈરાદો અને બીજી મર્યાદા. અમે માત્ર દેશના વર્તમાન માટે નવી સુવિધાઓ જ નથી બનાવી રહ્યા પરંતુ દેશના ભવિષ્યનું પણ નિર્માણ કરી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અગાઉની સરકાર દરમિયાન યુપીમાં દર વર્ષે સરેરાશ 50 કિલોમીટરની રેલ લાઈનો બમણી થતી હતી, આજે સરેરાશ 200 કિલોમીટરની રેલ લાઈનો બમણી થઈ રહી છે. 2014 પહેલા યુપીમાં માત્ર 11,000 કોમન સર્વિસ સેન્ટર હતા, આજે યુપીમાં 1.30 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર કાર્યરત છે.
પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં જ્યાં અમેઠી રાઈફલ ફેક્ટરી માત્ર એક બોર્ડ સાથે ઉભી હતી, જે યુપીમાં રાયબરેલી રેલ કોચ ફેક્ટરી માત્ર કોચને રંગતી હતી, તે યુપીમાં આજે કામ એટલી ગંભીરતાથી થઈ રહ્યું છે જેથી સારા સારા રાજ્યોને પાછળ છોડી દીધા છે.
વડાપ્રધાને કહ્યું કે આ એક્સપ્રેસ વેને અડીને આવેલા સ્થળોએ ઘણા કિલ્લાઓ છે. યુરોપના ઘણા દેશોમાં કિલ્લા જોવાનો વિશાળ પ્રવાસન ઉદ્યોગ ચાલી રહ્યો છે. આજે હું યોગીજીની સરકારને કહીશ કે હવે બુંદેલખંડ એક્સપ્રેસ વે બની ગયા પછી તમારે આ કિલો જોવા માટે એક મહાન ટુરિઝમ સર્કિટ પણ બનાવવી જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે યુપી હવે નવા સંકલ્પો સાથે ઝડપી ગતિએ દોડવા માટે તૈયાર છે. યુપીના નાના જિલ્લાઓને હવાઈ સેવા સાથે જોડવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. જૂની વિચારસરણીને પાછળ છોડીને આપણે નવી રીતે આગળ વધી રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે બુંદેલખંડ એક્સપ્રેસ વે દ્વારા ચિત્રકૂટથી દિલ્હીનું અંતર 3-4 કલાક ઓછું થયું છે, પરંતુ તેનો ફાયદો તેનાથી વધુ છે. આ એક્સપ્રેસ વે અહીંના વાહનોને માત્ર ગતિ જ નહીં આપે, પરંતુ તે સમગ્ર બુંદેલખંડની ઔદ્યોગિક પ્રગતિને પણ વેગ આપશે.
પીએમ મોદીએ કહ્યું કે હું દાયકાઓથી ઉત્તર પ્રદેશની મુલાકાત લઈ રહ્યો છું, યુપીના આશીર્વાદથી તમે છેલ્લા 8 વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે કામ કરવાની જવાબદારી આપી છે.