Site icon Revoi.in

રાજકોટમાં 13મી મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ કરાશે

Social Share

રાજકોટઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી તારીખ 13મી ના રોજ રાજકોટ શહેર અને જિલ્લાની મુલાકાતે આવશે. મુખ્યમંત્રીના હસ્તે  શહેર અને જિલ્લાના કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવશે અને તૈયાર થનારા કામોનું ખાતમુહૂર્ત કરાશે. કલેકટર, મહાનગરપાલિકા અને રૂડા દ્વારા જુદા જુદા વિકાસ કામોનું લિસ્ટ તૈયાર કરાયું છે. પારેવાડામાં વિચરતી વિમુકત જાતિના લોકોને જમીનના પ્લોટ અપાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ શકે તેવા વિકાસના કેટલા કામો છે તેનું લીસ્ટ ત્રણ દિવસ અગાઉ તૈયાર કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવેલા આદેશના અનુસંધાને સરકારના અલગ અલગ 32 જેટલા વિભાગના અધિકારીઓની સંયુકત મિટિંગ બોલાવવામાં આવી હતી અને દરેક વિભાગ તરફથી કામગીરીના લેખાજોખા આપવામાં આવ્યા હતા. તેના આધારે લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તે મુખ્યમંત્રી કાર્યાલયને મોકલી દેવાયું છે. આ લિસ્ટમાંથી મહાનગરપાલિકા, કલેકટર કચેરી, પી ડબ્લ્યુ ડી, સહિતના જુદા જુદા વિભાગોની કામગીરી નક્કી કરીને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટના બેટી રામપરા અને પારેવાડા ગામની વિચરતી વિમુકત જાતિના લોકોને વિનામૂલ્ય જમીન ફાળવવામાં આવશે અને આવી જાતિના લોકો એક જગ્યાએ રહીને સ્થાયી જીવન જીવી શકે તે માટે આરોગ્ય, શિક્ષણ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. શહેરના રોડ-રસ્તાના કામો, સહિત અનેક વિકાસ કામોનું લોકોર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રીના આગમનને લઈને વહિવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 

 

Exit mobile version