Site icon Revoi.in

ગાંધીનગર સચિવાલયમાં ફરજ પર મોડા આવતા કર્મચારીઓને સમયસર આવવા કરાયો આદેશ

Social Share

ગાંધીનગરઃ  સચિવાલય અને જુના સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં કેટલાક કર્મચારીઓ ફરજ પર કાયમ મોડા આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. વિભાગના જે તે ઉચ્ચા અધિકારીઓએ પણ તમામ કર્મચારીઓને ફરજ પર સમયસર આવવા સુચના પણ આપી હતી. એટલું નહીં હવે મંત્રીઓ પણ તેમના વિભાગની કચેરીઓની ઓચિંતી મુલાકાતો લઈ રહ્યા છે. ત્યારે ફરીવાર સરકારે તમામ કર્મચારીઓને ફરજ પર સમસસર આવવાનો આદેશ આપ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી કચેરીઓમાં કેટલાક કર્મચારીઓ કાયમ મોડા આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે મંત્રીઓ દ્વારા સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત શરૂ થતાં હવે સચિવાલયના કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સચિવાલયમાં પણ શાખાના વડાઓ દ્વારા કર્મચારીઓને સમયસર ઓફિસમાં હાજરી આપવા અને કામના કલાકો દરમિયાન બહાર નહીં જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જોકે, હજુ સુધી એક પણ મંત્રીઓએ સચિવાલયના વિભાગોમાં સરપ્રાઇઝ વિઝિટ કરી નથી. મંત્રીઓની સરપ્રાઇઝ વિઝિટ જૂના સચિવાલયમાં ખાતાના વડાની કચેરીઓમાં અથવા તો પ્રાદેશિક કચેરીઓ પૂરતી જ સિમિત રહી છે. આથી આવી કચેરીઓના કર્મચારીઓમાં પણ ગણગણાટ છે કે સચિવાલયમાં પણ કર્મચારીઓમાં વ્યાપક અનિયમિતતા છે અને અગાઉ અધિકારીઓના ચેકિંગ દરમિયાન વારંવાર જોવા મળી છે છતાં મંત્રીઓ સચિવાલયમાં આવેલી કચેરીમાં મુલાકાત લેતા નથી, ત્યાં આવતા અરજદારોને પડતી મુશ્કેલી પણ ધ્યાને લેવાતી નથી.કૃષિમંત્રી રાઘવજી પટેલે શુક્રવારે સતત બીજા દિવસે પણ સરપ્રાઇઝ વિઝિટનો રાઉન્ડ યથાવત રાખીને ગાંધીનગરના સેક્ટર-15માં આવેલી કૃષિ વિભાગની લેબોરેટરીની મુલાકાત લીધી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું  સરકારીની જે કચેરીઓમાં બાયો મેટ્રિક હાજરી પુરવાની વ્યવસ્થા છે, તેવી કચેરીના કર્મચારીઓ બાયો મેટ્રિકથી હાજરી પુરાવ્યા બાદ થોડો સમય કચેરીમાં કામ કરીને જમવા માટે ઘેર જતા રહેતા હોય છે. અને બપોરે આરામ કર્યા બાદ કચેરીમાં આવતા હોય છે. આવા કર્મચારીઓ સામે પણ પગલાં લેવાની માગ ઊઠી છે.