Site icon Revoi.in

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી, યુકેથી આવેલા 6 લોકો સંક્રમિત

Social Share

દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસનું નવુ સ્વરૂપ મળી આવતા દુનિયાના અન્ય દેશોમાં ભય ફેલાયો છે. તેમજ ભારત સહિત દુનિયાના અનેક દેશોએ બ્રિટન સાથે હવાઈ સેવાઓ બંધ કરી છે. દરમિયાન ભારતમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળે છે. યુકેથી આવેલા છ લોકોમાં નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભારત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બ્રિટન જતી અને આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જો કે, પ્રતિબંધ પહેલા કેટલાક પ્રવાસીઓ બ્રિટનથી ભારત આવ્યાં હતા. જેથી સરકાર દ્વારા આવા પ્રવાસીઓને શોધીને તેમના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. દરમિયાન ભારતમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 6 કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. મંગળવારે ભારત સરકાર તરફથી આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી. યૂકેથી આવેલા 6 લોકોમાં નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા છે. ત્રણ બેંગલુરુ, 2 હૈદરાબાદ અને એક પુણેની લેબમાં આપેલા સેમ્પલમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. યૂકેથી આવેલા લોકોની જીનોમ સ્કિવેંસિંગ કરવામાં આવી હતી. ભારતમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

તા. 25મી નવેમ્બરથી 23મી ડિસેમ્બરના સમયગાળામાં બ્રિટનથી લગભગ 33 હજાર લોકો ભારત આવ્યાં હતા. આ તમામને ટ્રેક કરવામાં આવ્યાં હતા અને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જે પૈકી 114 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામના સેમ્પલ દેશની 10 લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં હતા. જેમાં 6 લોકોના સેમ્પલમાં કોરોનાના નવા સ્ટ્રેન જોવા મળ્યાં હતા. આ તમામ લોકોને સેલ્ફ આઈસોલેશન રૂમમાં રાખવામાં આવ્યાં છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત તેમની ટ્રાવેલની પણ માહિતી એકત્ર કરવામાં આવી છે.