Site icon Revoi.in

નવી શિક્ષણ નીતિના અમલના મુદ્દે સરકારે સ્પષ્ટતા ન કરતા યુનિવર્સિટીઓની હાલત કફોડી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગના અસ્પષ્ટિકરણની નીતિને કારણે યુનિવર્સિટીઓ અવઢવભરી સ્થિતિનો સામનો કરી રહી છે. તમામ યુનિવર્સિટીઓમાં વિજ્ઞાન, વિનિયન અને વાણિજ્ય વિદ્યાશાખાઓ સહિત પ્રવેશની કાર્યવાહી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે નવી શિક્ષણ નીતિનો અમલ કેવી રીતે કરવાનો છે, તે અંગે હજુ પણ અસમજસભરી સ્થિતિ છે. કોલેજોમાં નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે જુદા જુદા વિષયોની ક્રેડિટ કેટલી રાખવી તે નક્કી નથી જેના કારણે રાજ્યની તમામ કોલેજના આચાર્ય અને પ્રોફેસરોમાં પણ ભારે દ્વિધાભરી સ્થિતિ જોવા મળી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી સ્પષ્ટતા ન કરતાં આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં નવી એજ્યુકેશન પોલિસીના અમલ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ અમલ કરતાં પહેલાં જુદી જુદી સંસ્થાઓ પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા. હાલમાં મોટા ભાગની સંસ્થાઓ અને સંબંધિત વિભાગોએ અભિપ્રાય મોકલી આપ્યા છે. જોકે, હજુ સુધી અમલ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજી બાજુ ગયા મહિને મળેલી તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠકમાં 24 ક્રેડિટ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓએ સેમેસ્ટર દીઠ 24 ક્રેડિટ પ્રમાણે સિલેબસ તૈયાર કરીને વેબસાઇટ પર પણ ચડાવી દીધા હતા.યુનિવર્સિટીઓએ આટલી લાંબી કવાયત કર્યા બાદ અચાનક શિક્ષણ વિભાગે કેસીજીના માધ્યમથી તાજેતરમાં 3 જૂનથી પરિપત્ર કરીને સેમેસ્ટર દીઠ 20થી 22 ક્રેડિટ રાખવાની જાહેરાત કરીને તમામ સંબંધિત સંસ્થાઓ પાસેથી 14મી જૂન સુધીમાં અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા.

સૂત્રોના કહેવા મુજબ મહત્ત્વની વાત એ કે, 14મી સુધીમાં અભિપ્રાયો મંગાવ્યા બાદ હજુ સુધી કોઇ જાહેરાત કે સ્પષ્ટતા સુદ્ધા કરવામાં આવી નથી. જેના કારણે હવે યુનિવર્સિટીઓ અને કોલેજોએ કેજીસીના માધ્યમમથી જે સ્ટ્રક્ચરની જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે અભ્યાસક્રમ શરૂ કરાવવો કે પછી જૂના સ્ટ્રક્ચર પ્રમાણે તેની મુંઝવણ ઊભી થઇ છે. સામાન્ય રીતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તેના પાંચથી છ માસ પહેલાં સરકાર અને શિક્ષણ વિભાગે જે કવાયત શરૂ કરવી જોઇએ તે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે શરૂ કરાતાં હાલમાં હાયર એજ્યુકેશનમાં અરાજક્તાભરી સ્થિતિ ઊભી થઇ છે. શિક્ષણવિદ્દો કહે છે આ પરિસ્થિતિમાં ખરેખર ચાલુ વર્ષે નવી એજયુકેશન પોલિસીનો અમલ થશે કે કેમ અને થાય તો કયારથી થશે તેની સરકારે વહેલીતકે સ્પષ્ટતા કરે તે જરૂરી છે.