Site icon Revoi.in

રેમડેસિવિર ઈન્જેકશન વિતરણ બાબતે સરકારે નિતી વિષયક નિર્ણય લેવા જોઈએઃ હાઈકોર્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનની અછતના પગલે દર્દીઓ અને પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન હાઈકોર્ટે પણ કોરોના મુદ્દે થયેલી અરજીમાં સરકારનો ઉધડો લીધો હતો. તેમજ સરકાર રેમડેસિવિરના વિતરણ બાબતે જરૂરી નિતિ વિષયક નિર્ણય લે તેવી ટકોર પણ કરી હતી.

કેસની હકીકત અનુસાર કોરોના મહામારીને પગલે દર્દીઓ અને તેમના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયાં છે. કોરોના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં કોર્ટે ટકોર કરી કે, ઈન્જેક્શનનો સ્ટોક હોવા છતા કોવિડ હોસ્પિટલમાં ઈન્જેક્શન પહોંચી નથી રહ્યાં. રેમડેસિવિર ઇન્જેકશનનું વિતરણ મ્યુ. કમિશ્રર કે જિલ્લા કલેકટરોની જવાબદારી ઉભી કરીને સોંપવી જોઇએ નહિ. આરોગ્ય વિભાગના અગ્રસચિવ તમામ જરુરી લોકો સાથે અરજન્ટ મિટિંગ બોલાવી અને આ પ્રશ્નના નિરાકરણ માટે કાર્યવાહી કરે.

હાઈકોર્ટે એસવીપી હોસ્પિટલ સામે હાઈકોર્ટે લાલ આંખ કરતા કહ્યુ કે, હોસ્પિટલમાં રેમડેસિવિરનો સ્ટોક હોવા છતાં કોવિડ હોસ્પિટલમાં ઇન્જેકશન પહોંચતા નથી. ઇન્જેકશનના સ્ટોક અંગે સરકાર તપાસ કરે. ગ્રામ્ય વિસ્તારોમાં રેમડેસિવિર અને ટોસિલિઝુબેમ મળે છે કે નહિ તે અંગે સરકાર ધ્યાન આપે. તાલુકામાં કોરોના અંગે કોર કમિટી બનાવી મેડિકલ સુવિધાઓ પૂરી પાડો. તેમજ ક્રિટીકલ પેશન્ટ્સ માટે 108ની ઉપલબ્ધતા પહેલા કરાવવામાં આવે. 108 હોસ્પિટલમાં દર્દીને ઉતાર્યા બાદ અન્ય જગ્યા પર લઇ જતા નથી તેવું હવે નહિ ચાલે. ક્રિટીકલ પેશન્ટ કોણ છે તેના ત્યાં એમ્બ્યુલન્સ પહેલી પહોંચે તે જરૂરી છે.