Site icon Revoi.in

શિક્ષક સંઘના ભારે વિરોધ બાદ શિક્ષકોને કામના 8 કલાકનો પરિપત્ર રદ કરવાની સરકારને ફરજ પડી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષકોને કામના કલાક 8 કલાક કરાતા શિક્ષકોમાં ભારે વિરોધ ઊભો થયો હતો. ભારે વિરોધને પગલે આખરે સરકારને નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે એ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી છે. આખરે શિક્ષણ સંઘ સામે સરકાર ઝૂકી છે અને સરકારને પોતાનો નિર્ણય બદલવાની જરૂર પડી છે.

ગુજરાતમાં શિક્ષકોને 8 કલાકની ડ્યૂટી કરવી પડશે તે પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા રદ કરવામાં આવ્યો છે. આ મામલે ગુજરાતભરના શિક્ષકો દ્વારા મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ બાદ સરકારને પોતાનો પરિત્ર રદ કરવાની ફરજ પડી છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિસંહ ચૂડાસમાએ કહ્યું કે, 8 કલાકનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેટલા સમયગાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં શિક્ષકો કામ કરી રહ્યા છે. અગાઉના સમયગાળા દરમિયાન જ શિક્ષકો કામ કરશે. પ્રાથમિક શાળાઓમાં આરટીઇ હેઠળ જે સમય અંગેનો પરિપત્ર હતો તે રદ કરવામાં આવ્યો છે.

શિક્ષકોને કામના કલાકો વધારાતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી એકવાર મેદાને આવ્યું હતું.  શિક્ષણ વિભાગના વધુ એક પરિપત્રનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.  શિક્ષક સજ્જતા સર્વેક્ષણના બહિષ્કાર બાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘએ ફરીવાર શિક્ષણ વિભાગનો વિરોધ કર્યો હતો. સ્કૂલમાં શિક્ષકોએ 8 કલાક ફરજ નિભાવવી પડશે, એ પરિપત્રનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગુજરાત મહિલા સંવર્ગ દ્વારા શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, નિયામકને આપવામાં આવેદનપત્ર આપ્યું હતું. પ્રાથમિક શાળાનો સમય 8 કલાકને બદલે 6 કલાક કરવા માટે રજૂઆત કરતાં આખરે સરકારે પરિપત્ર રદ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ની શાળાઓ શરૂ થઈ ત્યારે નિયામક દ્વારા કરાયેલ પરિપત્રમાં RTEના ઉલ્લેખ અનુસંધાને આઠ  કલાકનો શાળાનો સમય કરવા બાબતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના પરિપત્રના અનુસંધાને શાળાનો સમય આઠ કલાકનો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલે જણાવ્યું કે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શાળાનો સમય આઠ કલાકનો કરવામાં આવ્યો છે એ હાલના તબક્કે બિલકુલ ઉચિત નથી. અને પરિપત્ર પાછો ખેંચવા પડશે. આમ સરકારે આખરે નમતું જોખીને પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી હતી.