Site icon Revoi.in

સરકારનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિકાસની સાથે રોજગાર સર્જનનો છે: ડૉ મનસુખ માંડવિયા

Social Share

રાજકોટ, 23 મે 2026: Dr. Mansukh Mandaviya રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ દેશના યુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી રોજગારલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસ સાથે વધુમાં વધુ રોજગાર સર્જન કરવાનો છે. દેશના યુવાનોને નવી તકો મળી રહે અને ખાનગી ક્ષેત્રમાં પણ રોજગારીનો વ્યાપ વધે તે માટે કેન્દ્ર સરકારે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે.

મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના અંતર્ગત એવા યુવાનોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવશે જેમને ખાનગી ક્ષેત્રમાં નવી નોકરી પ્રાપ્ત થાય. આવા યુવાનોને ભારત સરકાર દ્વારા 15 હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે કહ્યું કે આજના સમયમાં યુવાનોને રોજગાર સાથે આત્મવિશ્વાસ અને આર્થિક મજબૂતી આપવી ખૂબ જરૂરી બની છે અને આ યોજના એ દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે માત્ર નોકરી મેળવનારને જ નહીં પરંતુ નોકરી આપનાર ઉદ્યોગકારોને પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. જો કોઈ ઉદ્યોગકાર નવા રોજગારનું સર્જન કરે તો તેવા નોકરીદાતાને પ્રતિ કર્મચારી દર મહિને 3 હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના માટે ભારત સરકારે એક લાખ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ ફાળવ્યું છે. આગામી ચાર વર્ષમાં દેશભરમાં અંદાજે 3.50 કરોડ નવા રોજગારનું સર્જન કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે.

કેન્દ્રીય મંત્રીએ રાજકોટના ઉદ્યોગોની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક શહેર છે અને અહીં નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોમાં સતત વિકાસ થઈ રહ્યો છે. રાજકોટના વિવિધ ઉદ્યોગોમાં અનેક યુવાનોને રોજગારી મળી રહી છે. સરકારનો પ્રયાસ છે કે આવા યુવાનોને વધુ પ્રોત્સાહન મળે તેમજ ઉદ્યોગકારોને પણ નવી ભરતી માટે પ્રેરણા મળે. આ જ હેતુથી રાજકોટમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ યોજના માટે 10 હજાર કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. દેશના એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ કરવાની તક મળે અને તેમને તાલીમ સાથે આર્થિક સહાય પણ મળી રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. યોજના હેઠળ ઇન્ટર્નશિપ કરતા યુવાનોને 10 હજારથી 19 હજાર રૂપિયા સુધીનો લાભ આપવામાં આવશે.

અંતમાં મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે રાજકોટનો ઔદ્યોગિક વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે અને સરકારનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને પોતાના ઘરઆંગણે જ રોજગારી અને તાલીમની તકો ઉપલબ્ધ કરાવવાનો છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા યુવાનોને સશક્ત બનાવી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આવશે.

વધુ વાંચો: ભારતના વિસ્તરી રહેલા ડેટા સેન્ટર સેક્ટરમાંથી એક લાખ એન્જિનિયરિંગ નોકરી સર્જનની અપેક્ષા: ડૉ. જિતેન્દ્ર સિંહ

Exit mobile version