Site icon Revoi.in

કોવિશિલ્ડના પહેલા અને બીજા ડોઝના અંતર પર સરકારનો જવાબ, કહ્યુ તે વિજ્ઞાન દ્વારા સંચાલિત

Social Share

કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયાને શક્ય એટલી તેજ કરવામાં આવી રહી છે, તો સાથે સાથે વધારે સંક્રમણ ન ફેલાય તે માટે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન પણ કરવામાં આવી રહ્યું છે. હાલ લોકોને વેક્સિનેશન માટે સૌથી વધારે કોવેક્શિન અને કોવિશિલ્ડ આપવામાં આવી રહી છે અને કોવિશિલ્ડના પહેલા અને બીજા ડોઝના અંતર પર સરકારે જવાબ આપ્યો છે.

સરકાર દ્વારા 14 મેની મધ્યરાત્રિથી કોવિશિલ્ડનો બીજો ડોઝનો સમય વધારવામાં આવ્યો છે. આ અંગે સરકારનું કહેવું છે કે આ પ્રક્રિયા વૈજ્ઞાનિક તરફથી સંચાલિત કરવામાં આવી રહી છે. જ્યારે બ્રિટેને સરકારી ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવાનો નિર્ણય લીધો છે, ત્યારે કેન્દ્ર સરકાર બંને ડોઝ વચ્ચેનું અંતર વધારવાના નિર્ણય પર મક્કમ છે. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તે નિષ્ણાતોના આકલન પર આધારિત છે અને આને રસીની અછત અંગે કોઈ વિવાદ ઉભો કરવો જોઈએ નહીં.

સરકાર દ્વારા તમામ લોકોને વેક્સિન મળી રહે તે માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશમાં અગાઉના 2-3 મહિનામાં વેક્સિનનું ઉત્પાદન વધી શકે છે અને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષના અંત સુધીમાં તમામ લોકોને વેક્સિન આપવાનો પ્લાન બનાવવામાં આવી શકે તેમ છે.

નીતિ આયોગનાં સદસ્ય ડૉ. વીકે પોલે કહ્યું કે બ્રિટેન તેની સ્થિતિ, મ્યૂટેન્ટ અને મહામારીને ધ્યાનમાં રાખીને કોવિશિલ્ડની માત્રા વચ્ચેનું અંતર ઓછું કરી રહી છે, અમે આને આપણા જોખમ રોગચાળા વિજ્ઞાનના અનુસાર નક્કી કર્યું છે. આ વિજ્ઞાન દ્વારા સંચાલિત છે અને એક ગતિશીલ પ્રક્રિયા છે. અમે તેના પર પુરી નજર રાખી રહ્યા છીએ. અમે નિષ્ણાંતોના મૂલ્યાંકનના આધારે આ નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે ભારતમાં 28 દિવસનો ગેપ હતો, જ્યારે આ રસીને વિકસાવનાર એસ્ટ્રાઝેનેકા કંપનીએ 4-12 અઠવાડિયાના અંતરાલની ભલામણ કરી ચુકી હતી. કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

કોવિશિલ્ડ વેક્સિન બ્રિટેનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે આ વેક્સિનને ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિન પણ કહેવામાં આવે છે.