Site icon Revoi.in

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઝુલન ગોસ્વામીએ મેળવી મોટી સિદ્ધિ

Social Share

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ દુનિયામાં ભારતનું નામ રોશન કરી રહી છે. દરમિયાન ભારતીય મહિલા ટીમની એક ખેલાડીએ અનોખી સિદ્ધિ મેળવી છે. ઝુલન ગોસ્વામી 200થી વધુ વન-ડે મેચ રમનારી ખેલાડી બની છે. એટલું જ નહીં વન-ડેમાં સૌથી વધારે વિકેટ લેનારી મહિલા ખેલાડી પણ છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પ્રવેશતાની સાથે જ તે 200 વનડે રમનારી બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે. આ મેચ પહેલા માત્ર ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજ 200 થી વધુ વનડે રમી હતી. તે 229 ODI મેચો સાથે આ યાદીમાં ટોચ પર છે. આ પહેલા ઝુલને આ વર્લ્ડ કપની છેલ્લી મેચમાં ODI ક્રિકેટમાં પોતાની 250 વિકેટ પૂરી કરી હતી. આ આંકડા સુધી પહોંચનારી તે પ્રથમ મહિલા બોલર છે. કોઈપણ મહિલા બોલર તેના રેકોર્ડની નજીક પણ નથી. અત્યાર સુધી દુનિયાની કોઈ મહિલા બોલરે 200 વિકેટ લીધી નથી.

ઝુલને 6 જાન્યુઆરી 2002ના રોજ ઈંગ્લેન્ડ સામેની ODI મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી, તે ભારતીય મહિલા ટીમની નિયમિત ખેલાડી છે. તેની 20 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે 350થી વધુ વિકેટ લીધી છે. જ્યારે તેણીએ ODIમાં 250 થી વધુ વિકેટો મેળવી છે, ત્યારે તેણીએ ટેસ્ટમાં 44 વિકેટ અને T20 માં 56 વિકેટ લીધી છે.