Site icon Revoi.in

ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર પશુપાલકોએ કર્યો હુમલો,

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં રખડતા ઢોર સામે મ્યુનિ.ની ટીમ દ્વારા ઝૂબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરમાં વધુ એક વખત રખડતાં પશુઓના માલિકોએ ઢોર પકડ પાર્ટી પર હિચકારો હૂમલો કરી પોલીસ-એસઆરપી જવાનને માર મારી વાહનોમાં તોડફોડ કરી હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં પણ તાજેતરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિ.ની ટીમ પર હુમલાનો બનાવ બન્યો હતો. આવો જ બનાવ ગાંધીનગરમાં પણ બન્યો છે. ગાંધીનગર શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાથી નાગરિકોને છુટકારો અપાવવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને જાહેરમાં ઘાસચારો વેચાણ, સંગ્રહ અને ખવડાવવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા  શહેરને રખડતા ઢોર મુક્ત કરવા માટે ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે રખડતા ઢોરને પાંજરે પુરવા ગયેલી ઢોર પકડ પાર્ટી પર ચાર ઈસમોએ હિચકારો હૂમલો કરી આતંક મચાવી દીધો હતો.

ગાંધીનગર મ્યુનિની ઢોર પકડ પાર્ટીને પશુધન નિરીક્ષક પાર્થ પટેલ, સુપરવાઇઝર મીતુલ ચૌહાણ તેમજ અન્ય 11 માણસો મળેલી ફરિયાદના આધારે કોબા નંદનવન બંગલો ખાતે રખડતાં ઢોરોને પકડવા માટે ગયા હતા. જેમની સાથે એસઆરપી ગૃપ- 9નાં રણજીતસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ જગદીશજી દશરથજી પણ પ્રોટેક્શન અર્થે ગયા હતા. બાદમાં મ્યુનિ.ની ઢોર પકડ પાર્ટીએ નંદન વન બંગલોમાંથી ત્રણ રખડતી ગાયો પકડી લઈ સોસાયટી બહારથી પણ બીજી ત્રણ ગાયો પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન કોબા ગામનો અનિકેત દેસાઈ, બળદેવ દેસાઈ, વિષ્ણુ દેસાઈ તેમજ બીજા ત્રણ ઈસમો લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને ઢોર પકડ પાર્ટી સાથે ઝપાઝપી કરી માથાકૂટ કરી ઝગડો કરવા લાગ્યા હતા. દરમિયાન એસઆરપી જવાન અને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આ ઈસમોને સમજવાનો પ્રયાસ કરાયો હતો. એટલામાં ઉક્ત ઈસમોએ બન્ને લાકડીઓ વડે હૂમલો કરી પોલીસ કૉન્સ્ટેબલની વરદીનાં બટન પણ તોડી નાખ્યા હતા અને ઢોર પકડ પાર્ટીને સાથે પણ ઝગડો કરી લાકડીઓ વડે ટાટા સુમો અને ટ્રેકટરમાં તોડફોડ કરી આતંક મચાવી દીધો હતો. આ બનાવને પગલે વસાહતીઓ દોડી આવતાં તમામ હુમલાખોરો નાસી ગયા હતા. જ્યારે એસઆરપી જવાનને સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે ઈન્ફોસિટી પોલીસે હુમલાખોર ગેંગ વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.નોંધનીય છે જે ભૂતકાળમાં પણ ઢોર પકડ પાર્ટી પર હૂમલો કરાતા સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો. (file photo)