Site icon Revoi.in

કન્ટેનરના ભાડાંમાં તોતિંગ વધારાથી પ્લાસ્ટિક ઉદ્યોગના નિકાસકારોની હાલત કફોડી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના હવે નહીંવત કેસ નોંધાય રહ્યા છે. સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. અને જનજીવન પણ રાબેતા મુજબનું બની ગયું છે. સાથે રોજગાર-ધંધા પણ ધમધમવા લાગ્યા છે. જેમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં પણ 10થી 12 હજાર નાના મોટા એકમો પૂરજોશમાં શરૂ થઇ ગયા છે. જોકે હાલમાં મોંઘવારી સામે પણ ઝઝૂમવુ અશક્ય બન્યુ છે ત્યારે કન્ટેઇનરના ભાડાંમાં થયેલા ત્રણથી પાંચ ઘણા વધારાને કારણે ઉદ્યોગો નિકાસ પણ ઓછા માર્જિન સાથે કરી રહ્યા છે.

રાજ્યના પ્લાસ્ટિક એસોસિયેશનના સૂત્રોએ  જણાવ્યું હતું કે નિકાસના કન્ટેઇનરોના નૂરના દરોમાં અસહ્ય વધારો થઇ ગયો છે. એક બાજુ ગ્રાહકો પાસેથી ભાવવધારો મળતો નથી તો બીજી બાજુ માર્કેટમાં ટકવા માટે માલ મોકલવો પડે છે. વર્ષોથી જે ગ્રાહકો સાથે સંબંધ ટકાવી રાખ્યો હોય તેની સાથે ઉદ્યોગકાર એકદમ છેડો ફાડી શક્તા નથી. કાચા માલનો ભાવવધારો પણ એકવર્ષથી નડી રહ્યો છે. પ્લાસ્ટીક ઉદ્યોગમાં વર્ષોથી મોટા પાયે નિકાસ થાય છે. અમેરિકા નિકાસ કરવા માટે પહેલા કન્ટેનરદીઠ 2000-2200 ડોલરનો ભાવ ચૂકવવો પડતો હતો, તે હાલમાં 10થી 12 હજાર ડોલરનો ભાવ ચૂકવવો પડે છે. એટલે કે, ત્રણથી પાંચ ગણો વધારો થઇ ગયો છે. આટલો મોટો પ્રોફીટ માર્જિન હોતો નથી. તે રીતે ઇઝરાયેલમાં પહેલા 600થી 750 ડોલરમાં એક કન્ટેનર મોકલી શકાતુ હતું પરંતુ તેનો ભાવ છ ગણો વધીને 4,200 ડોલર થઇ ગયો છે.

પ્લાસ્ટીક એસોના સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ સમસ્યા ફક્ત અમારી નથી પરંતુ જે લોકો નિકાસ કામકાજ કરે છે તેમને બધાને આ ભાવ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા સરકાર મર્ચેન્ડાઇઝઇઝ એકસપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ (એમઇઆઇએસ) હેઠળ નિકાસ લાભો આપતી હતી પરંતુ સરકારે હવે રિમિસન ઓફ ડ્યૂટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટ્સ પ્રોડક્ટ્સ યોજના અમલમાં મુકવાની વાત કરી છે. આમાં એમઇઆઇએસ સ્કીમ ડિસેમ્બર 2020થી બંધ કરી દેવામાં આવી છે જ્યારે 1 જાન્યુઆરી 2021થી રોડટેપ યોજના આપવાની વાત કરી હતી.

એટલું જ નહી એપ્રિલ 2020થી ડિસેમ્બર 2020 સુધી એમઇઆઇએસ હેઠળ લાભો સરકારે આપ્યા નથી. તો બીજી બાજુ 1 જાન્યુઆરી 2021થી લાગુ પાડેલી સ્કીમ રોડટેપમાં કેટલા ટકા સરકાર ઇન્ટેન્સિવ આપશે તે ઓગસ્ટ મહિનો આવ્યો હોવા છતાં જાહેરાત કરી નથી. આમ છેલ્લા દોઢ વર્ષથી ઉદ્યોગના 3 ટકાથી લઇને 6 ટકા સુધીના તમામ લાભો અટકી ગયા છે. આમ જો કોઇ વર્ષે રૂ. પાંચ કરોડની નિકાસ કરે તો તેના રૂ. 20 લાખ અટકી જાય છે. ઉદ્યોગકારો કહે છે. અમે કદાચ વધુ નૂર સ્વીકારીને પણ એક વખત નિકાસ કરીએ તો સામે જહાજની ઉપલબ્ધિ પણ ઘણી ઓછી છે. તેના કારણે એક સપ્તાહ સુધી કોઇ ડેમરેજ વસૂલવામાં આવતુ નથી. પરંતુ ત્યાર બાદ તેનો ડેમરેજનો દર દિવસના રૂ. 2થી 5 હજાર સુધીનો હોય છે. આમ દરેક બાજુથી ઉદ્યોગને માર પડી રહ્યો છે.