Site icon Revoi.in

પત્નીની લાલચ પગલે મુશ્કેલીમાં મુકાયેલો પતિ પોતાને જીવિત સાબિત કરવા સરકારી કચેરીઓના ખાઈ રહ્યો છે ધક્કા

Social Share

લખનૌઃ ગોંડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સરકારી ચોપડે મૃત જાહેર થયેલા આધેડ પોતાને જીવત સાબિત કરવા માટે સરકારી ઓફિસોના ધક્કા ખાઈ રહ્યો છે. આધેડની પત્નીને ગામના જ એક વ્યક્તિ સાથે અનૈતિક સંબંધો હતો. આ શખ્સની મદદથી મહિલાએ પોતાના પતિને મૃત જાહેર કરીને તેમની જમીન પોતાના નામે કરાવી લીધી હતી. અંતે આધેડ પોલીસ સ્ટેશન પહોંચતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. સમગ્ર પ્રકરણને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

ગોંડા જિલ્લામાં હાલ એક વૃદ્ધ પોતાને જીવતો સાબિત કરવા સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યો છે. આ મામલો પોલીસ દફતરે પહોંચતાં તેની નોંધ લઈ તપાસના આદેશો અપાયા હતા. આ આખો મામલો કટરા બજાર વિસ્તારના ચાંકેરિયા ગામનો છે, જ્યાં કટરા બજાર વિસ્તારના રહેવાસી સુરેન્દ્રને તેના જ પરિવારે દગો આપ્યો હતો અને તેને સરકારી ફાઈલોમાં મૃત જાહેર કરી દીધો હતો જેથી તેની મિલકતનો કબજો લઈ શકાય. સુરેન્દ્રને અન્ય કોઈએ દગો આપ્યો નથી પરંતુ તેની પત્નીએ જ આપ્યો છે.

પત્નીએ ગામના જ એક વ્યક્તિ સાથે મળીને તેનું મૃત્યુનું પ્રમાણપત્ર બનાવ્યું અને પછી તમામ જમીન તેના અને તેના પુત્રના નામે કરાવી લીધી હતી. સુરેન્દ્ર પોતાના વકીલ સાથે અધિક પોલીસ અધિક્ષકની ઓફિસે પહોંચ્યા અને ન્યાયની આજીજી કરી હતી. તેમની ફરિયાદ સાંભળીને અધિક પોલીસ અધિક્ષકે તપાસ શરૂ કરી છે. પીડિત પોલીસ અધિક્ષકની ઓફિસમાં હાજર થયો અને પોતાના જીવિત હોવાનો પુરાવો આપ્યો. પોલીસે સુરેન્દ્રની ફરિયાદ નોંધી છે અને હાલ તેને વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવશે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેની પત્નીના ગામના જ એક વ્યક્તિ સાથે ગેરકાયદેસર સંબંધો હતા, જેના કારણે બંનેએ સાથે મળીને આ કામ કર્યું હતું. સુરેન્દ્રનો આરોપ છે કે તેની પત્ની પણ તેની સાથે મારપીટ કરે છે અને તેને ખાવાનું પણ આપતી નથી. આ સમગ્ર છેતરપિંડી ત્રણ વીઘા જમીન પચાવી પાડવા માટે થઈ છે.

સમગ્ર મામલામાં અધિક પોલીસ અધિક્ષક શિવરાજ પ્રજાપતિએ જણાવ્યું કે, તહસીલ કર્નલગંજના કટરા બજાર પોલીસ સ્ટેશનના ચાંકસેરિયામાં રહેતો સુરેન્દ્ર અમારી પાસે આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે, તેને મૃત બતાવીને પત્નીએ જમીનનું ડીડ કરાવી લીધું. કેસની તપાસની જવાબદારી સીઓને સોંપવામાં આવી છે.  સમગ્ર કેસની તપાસ થાય ત્યાં સુધી સુરેન્દ્રને વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવશે અને તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.