Site icon Revoi.in

ભારત-નેપાળ વચ્ચે સીમા વિવાદનો મુદ્દો ગરમાયો, વડાપ્રધાન ઓલીએ ભારતના આ વિસ્તારો પર કર્યો દાવો

Social Share

ભારત-નેપાળ વચ્ચે સીમા વિવાદનો મુદ્દો ફરી ગરમાયો છે. નેપાળના વડાપ્રધાને ભારતના કેટલાક વિસ્તારો પર દાવો કરતા તે વિસ્તાર નેપાળના હોવાનું જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ નેપાળ આવો દાવો કરી ચૂક્યું છે. વર્ષ 2020માં નેપાળે નવો નકશો બહાર પાડ્યો હતો. વર્ષ 2020 માં, આંતરરાષ્ટ્રીય સરહદોને લઈને કાઠમંડુ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નકશા પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. આ નકશામાં ત્રણ ભારતીય પ્રદેશો- લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખ નેપાળના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. નેપાળના આ નકશાને તે સમયે ભારતે ફગાવી દીધો હતો.

આ વખતે નેપાળમાં ચીન તરફી ઓલી સરકાર બન્યા બાદ ફરી એકવાર ભારત-નેપાળ સરહદ વિવાદનો મુદ્દો ગરમાયો છે. નેપાળના નવા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ લિમ્પિયાધુરા, લિપુલેખ, કાલાપાની સહિતના મહાકાલી નદીના પૂર્વ વિસ્તારને પોતાનો હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારત-નેપાળ સરહદ વિવાદ રાજદ્વારી તંત્ર દ્વારા ઉકેલવામાં આવશે. ઓલીએ કહ્યું કે કાઠમંડુ તેની આંતરરાષ્ટ્રીય સીમાઓ અંગે સ્પષ્ટ અને મક્કમ છે.

સોમવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં વિશ્વાસ મત જીત્યાના એક દિવસ બાદ કેપી શર્મા ઓલી સાંસદોના સવાલોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે સરકાર એ હકીકત પર મક્કમ અને સ્પષ્ટ છે કે ‘1816ની સુગૌલી સંધિ અનુસાર, લિમ્પિયાધુરા, કાલાપાની, લિપુલેખ અને મહાકાલી નદીના પૂર્વના વિસ્તારો નેપાળના છે.’ ઓલીએ કહ્યું કે સંઘીય સંસદ અને સરકાર દેશની આંતરરાષ્ટ્રીય સીમાઓ અંગે સ્પષ્ટ અને મક્કમ છે.

ઓલી રાજદ્વારી માધ્યમથી સરહદ વિવાદ ઉકેલશે

ઓલીએ કહ્યું કે 2017માં બંધારણના બીજા સંશોધન દ્વારા નેપાળે આંતરરાષ્ટ્રીય સરહદોને લઈને નવો નકશો અપનાવ્યો છે. તેમણે કહ્યું કે આનો ઉલ્લેખ તેના પરિશિષ્ટ 3માં કરવામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય સીમાઓ અંગે આપણા દેશમાં અભૂતપૂર્વ સર્વસંમતિ સધાઈ છે. ઓલીએ કહ્યું કે બંને દેશોના વડા પ્રધાનોની બેઠક દરમિયાન રાજદ્વારી માધ્યમથી સરહદ વિવાદનો ઉકેલ લાવવા પર સહમતિ બની હતી.

કે.પી શર્મા ઓલીએ કહ્યું કે ‘નેપાળ-ભારત વિદેશ મંત્રી સ્તરના સંયુક્ત આયોગની સાતમી બેઠક 4 જાન્યુઆરીએ યોજાઈ હતી. આ દરમિયાન નેપાળ-ભારત સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે નેપાળ-ભારત સરહદના બાકીના ભાગો પરના બાકી કામો જલ્દી પૂર્ણ કરવામાં આવે.

 

 

Exit mobile version