Site icon Revoi.in

બર્લિનમાં ગણેશજીના સૌથી વિશાળ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ

The largest Ganesha temple in Berlin was inaugurated

The largest Ganesha temple in Berlin was inaugurated

Social Share

બર્લિન, 8 જૂન 2026: બર્લિનમાં ભગવાન ગણેશજીની સૌથી વિશાળ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. દક્ષિણ ભારતની શૈલીમાં બનાવવામાં આવેલા ભવ્ય મંદિરમાં યોજાયેલા પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં સ્થાનિક હિન્દુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પ્રાપ્ત અહેવાલ મુજબ છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલા પરંપરાગત ઉત્સવો અને ધાર્મિક વિધિઓ બાદ જર્મનીની રાજધાની બર્લિનના નોયકોલન (Neukolln) વિસ્તારમાં આવેલા ભવ્ય ‘શ્રી ગણેશ મંદિર‘ના દ્વાર રવિવારે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. હાસનહાઇડ (Hasenheide) પાર્કની કિનારે આવેલું આ મંદિર તેના 17 મીટર ઊંચા શિખર સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ પરંપરાગત સંગીત અને ભારતીય પ્રાચીન રમત મલ્લખંભ (Malakamba) ની રમતોની મજા માણતા અને ઉત્સાહ મનાવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ અમેરિકાના સિએટલમાં ભારતીય દૂતાવાસ દ્વારા યોજાયો મેંગો મેજિક ફેસ્ટિવલ

ભક્તોમાં ગર્વ અને આનંદની લાગણી

ઉદ્ઘાટન મહોત્સવમાં આવેલા એક ભારતીય શ્રદ્ધાળુએ ગર્વ અનુભવતા જણાવ્યું કે, “મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે કે આપણું આટલું મોટું ભવ્ય ભારતીય ગણેશ મંદિર આજે બર્લિનમાં ખુલ્લું મૂકાયું છે. અહીં આપણી પ્રાચીન ભારતીય રમત, ખાસ કરીને મલ્લખંભને પ્રદર્શિત થતી જોઈને મને અત્યંત આનંદ અને ગૌરવની અનુભૂતિ થાય છે.”

જ્યારે અન્ય એક શ્રદ્ધાળુએ ઉમેર્યું કે, “આ મંદિર ભારતમાંથી અહીં આવતા નવા વિદ્યાર્થીઓ, આઈટી (IT) પ્રોફેશનલ્સ અને સ્થાનિક જર્મન નાગરિકોને એક તાંતણે બાંધશે. માત્ર ભારતીયો જ નહીં, પરંતુ જર્મન વસ્તી પણ સાથે મળીને અહીં નૃત્ય અને સંગીતના ઉત્સવોની ઉજવણી કરશે.”

21 વર્ષનું નિર્માણ કાર્ય અને સંપૂર્ણ દાન પર આધારિત

આ ભવ્ય મંદિરનો પાયો 24 સપ્ટેમ્બર, 2005ના રોજ નાખવામાં આવ્યો હતો અને 7 જૂન, 2026 ના રોજ તેની પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ છે. પૂરા 21 વર્ષ સુધી ચાલેલું આ લાંબું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે ભક્તોના દાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા જ ભંડોળ મેળવીને પૂરું કરવામાં આવ્યું છે. આજે યુરોપના સૌથી મોટા હિન્દુ મંદિરોમાં સ્થાન પામતા આ ‘શ્રી ગણેશ હિન્દુ મંદિર’નું સંચાલન સ્વયંસેવક બોર્ડના 10 સભ્યો અને 3 પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે. જર્મનીના સંબંધિત સરકારી વિભાગ (Finanzamt fur Korperschaften) દ્વારા તેને એક રજિસ્ટર્ડ બિન-લાભકારી (Non-profit) સંસ્થા તરીકે માન્યતા આપવામાં આવી છે.

દરેક માટે ખુલ્લા છે દ્વાર

આ મંદિર હિન્દુ ધર્મના તમામ સંપ્રદાયો – વૈષ્ણવ, શૈવ, શાક્ત અને સ્માર્ત – માટે સમાન રૂપે પૂજનીય છે. આ ઉપરાંત, અહીં કોઈપણ વ્યક્તિ આવી શકે છે, પછી ભલે તે બર્લિનના સ્થાનિક પરિવારો હોય, વિદ્યાર્થીઓ હોય, અલગ-અલગ ધર્મો સાથે જોડાયેલા યુગલો હોય, નજીકની ઓફિસના કર્મચારીઓ હોય કે પછી શાળાઓના પ્રવાસના બાળકો હોય.

તામિલનાડુના કાળા ગ્રેનાઈટથી બનેલું ગોપુરમ

વર્ષ 2015માં આ મંદિરનું પ્રથમ ગોપુરમ ટાવર બનીને તૈયાર થયું હતું. ભારતભરમાંથી આવેલા કુશળ કારીગરો દ્વારા હસ્તકલાથી કંડારેલા તામિલનાડુના વિશેષ કાળા ગ્રેનાઈટ પથ્થરો આ મંદિરના શિખર પર હાસનહાઇડના આકાશમાં ભવ્ય દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં બ્રિત્ઝ (Britz) વિસ્તારમાં આવેલું નાનું ‘શ્રી-મયુરાપથી-મુરુગન-ટેમ્પલ’ બર્લિનના પ્રથમ હિન્દુ મંદિર તરીકે વર્ષો પહેલાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ ભવ્ય ઉદ્ઘાટન નિમિત્તે 3 જૂનથી 7 જૂન સુધી 5 દિવસનો ભવ્ય મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવના અંતિમ દિવસે એટલે કે 7 જૂનના રોજ, પવિત્ર ગંગા નદીના જળ અને બર્લિનના સ્થાનિક જળને ક્રેન દ્વારા મંદિરના 17 મીટર ઊંચા વિમાન (Vimana) શિખર પર કળશાભિષેક માટે ચઢાવવામાં આવ્યું હતું. આ સાથે જ યુરોપના આ નવા આસ્થાના કેન્દ્રના દ્વાર કાયમ માટે ખુલી ગયા છે.

Exit mobile version