Site icon Revoi.in

અમદાવાદઃ શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતી મેટ્રો ટ્રેન જૂન મહિનામાં ચાલુ થઈ જશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનની કામગીરી વધારે પૂરઝડપે આગળ વધી રહી છે. અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ 80 ટકા સપૂર્ણ થઈ ગયું છે. 2022 વર્ષમાં જૂન મહિનામાં અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતી મેટ્રો ટ્રેન ચાલુ થઈ જશે. બીજા તબક્કાની મેટ્રો ડિસેમ્બર 2023માં ચાલુ થશે.

લોકસભામાં હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના રાજ્યમંત્રી કૌશલ કિશોરે મેટ્રો રેલની કામગીરીની પ્રગતિ વિશે માહિતી રજૂ કરી હતી. ગુજરાતમાં અમદાવાદ અને સુરતની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં હાલમાં ફેઝ-1 અને ફેઝ-2ની કામગીરી ચાલી રહી છે. અમદાવાદમાં ફેઝ-1નું કામ 80.50 ટકા પૂર્ણ થયું છે જેથી કરીને ફેઝ-1ની મેટ્રો રેલ જૂન 2022 સુધીમાં દોડતી થશે જ્યારે ફેઝ-2ની કામગીરી હજી 6.50 ટકા પૂર્ણ થયેલી છે.

અમદાવાદ શહેરમાં ફેઝ-2ની મેટ્રો ડિસેમ્બર 2023માં દોડતી થઈ જશે. મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીના 18.87 કિ.મી.લાંબા નોર્થ-સાઉથ કોરિડોરમાં 15 સ્ટેશન છે. સાબરમતી, એઇસી, સાબરમતી રેલવે સ્ટેશન, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, ઓલ્ડ હાઇકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયાંશ ક્રોસિંગ, રાજીવનગર અને જીવરાજ સ્ટેશન રહેશે. ઇસ્ટ-વેસ્ટ કોરિડોરની લંબાઇ 21.16 કિ.મી. છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો કોરિડોર છે, એમાં 17 સ્ટેશન છે. નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એેપરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, ઓલ્ડ હાઇકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ સ્ટેશન વગેરે સ્ટેશનો રહેશે એપરલ પાર્કથી શાહપુર સુધી 6.6 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ બની ગયો છે.

કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર સ્ટેશન અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. હાલમાં અંડરગ્રાઉન્ડ ટનલ ખોદવાનું કામ પૂરું થઇ ગયું છે રેલવે-ટ્રેક પણ પાથરી દેવાયા છે અને છેલ્લો ટચ અપાઇ રહ્યો છે. સાબરમતી નદી પરથી પણ મેટ્રો બ્રિજ પસાર થશે જે હાલ બની ગયો છે. 298 મીટર લાંબો આ બ્રિજ અત્યાધુનિક પદ્ધતિથી બનાવાયો છે, જેમાં 1050 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. 5500 ક્યૂબિક મીટર ક્રોન્ક્રીટ વપરાયું છે. 6 પિલ્લર પર આ બ્રિજ ઊભો છે. 38.2 મીટરથી લઇને 43.8 મીટર સુધીનાં પિલ્લર છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને આ બ્રિજ જોડે છે. અમદાવાદમાં હાલમાં મેટ્રો રેલની કામગીરીને છેલ્લો ટચ અપાઇ રહ્યો છે.

(Photo-File)

Exit mobile version