Site icon Revoi.in

નવી શિક્ષણ નીતિએ માત્ર ડોક્યુમેન્ટ નથી, પરંતુ નાગરિકોની આકાંક્ષાઓનો અરીસો છેઃ અમિત શાહ

Social Share

અમદાવાદઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ડોક્યુમેન્ટ માત્ર નથી, પરંતુ નાગરિકોની આકાંક્ષાઓનો અરીસો છે. નવી શિક્ષણ નીતિ માત્ર પુસ્તક નથી, પણ પુસ્તકાલય છે. આ પુસ્તકાલયનો જેટલો અભ્યાસ કરશો એટલું જ્ઞાન મળશે. નવી શિક્ષણનીતિમાં ભારતીય ભાષા, કલા અને સંસ્કૃતિને પ્રાથમિકતા આપવામાં આવી છે તેમ કેન્દ્રિય ગૃહમંત્રી અમિક શાહે ગાંધીનગરના લોકાવાડા ખાતે જીટીયુના નવા કેમ્સનું ભૂમિપૂજન કર્યા બાદ વિદ્યાર્થીઓને સંભોધતા જણાવ્યું હતું.

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ટેક્નિકલ શિક્ષણમાં દેશ- વિદેશમાં અગ્રગણ્ય યુનિવર્સિટીમાં નામના મેળવનારી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને (જીટીયુ) રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર નજીક લેકાવાડા ખાતે 100 એકર જમીન નવા બિલ્ડીંગના બાંધકામ માટે ફાળવવામાં આવી છે.  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જીટીયુના નવા કેમ્પસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યુ કે, જીટીયુના નવા કેમ્પસના નિર્માણથી દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેક્નોલોજી ક્ષેત્રે દેશને અગ્રેસર બનાવવાના “ગ્લોબલ મિશન”નું સપનું સાકાર થશે. મંત્રીએ છેલ્લા 15 વર્ષમાં જીટીયુએ મેળવેલી સિદ્ધિઓની પ્રસંશા કરી હતી અને ભારત વર્ષ 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા કરે ત્યારે સર્વ ક્ષેત્રે આગળ હોય તે માટે ‘ભારત સર્વપ્રથમ’નો સંકલ્પ લેવડાવ્યો હતો.

મંત્રી  શાહે વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિના ફાયદાઓ વિશે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ડોક્યુમેન્ટ માત્ર નથી, પરંતુ નાગરિકોની આકાંક્ષાઓનો અરીસો છે. નવી શિક્ષણ નીતિ માત્ર પુસ્તક નથી, પણ પુસ્તકાલય છે. આ પુસ્તકાલયનો જેટલો અભ્યાસ કરશો એટલું જ્ઞાન મળશે. નવી શિક્ષણનીતિમાં ભારતીય ભાષા, કલા અને સંસ્કૃતિને પ્રાથમિકતા આપવામાં આવી છે. મોદીજીએ ટેકનોલોજીના માધ્યમથી લોકોના જીવન ધોરણ સુધારવાનું બીડું ઝડપ્યું છે. વડાપ્રધાન મોદીએ અત્યાધુનિક ટેકનોલૉજીને શિક્ષણ સાથે જોડી લોકોના જીવનધોરણ સુધાર્યા છે. નવી શિક્ષણ નીતિમાં પ્રાદેશિક ભાષાઓને મહત્વ અપાયું છે. આજે પ્રાદેશિક ભાષામાં અભ્યાસક્રમો તૈયાર થઈ રહ્યા છે. મેડિકલ ડિગ્રીનો અભ્યાસક્રમ પણ હિન્દીમાં તૈયાર કરવામાં આવ્યો છે એમ મંત્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના નવા વિશાળ સંકુલના નિર્માણથી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ માટે આપેલું ગ્લોબલ વિઝન સાકાર થશે. જી.ટી.યુ. રાજ્યના યુવાનોને બેસ્ટ એજ્યુકેશનલ ફેસિલિટિઝ અન્ડ વન અમ્બ્રેલા આપતી યુનિવર્સિટી છે. રાજ્યના વિવિધ ટેકનિકલ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુટ્સને એક પ્લેટફોર્મ પર લાવવાનું લક્ષ્ય  નરેન્દ્ર મોદીએ જી.ટી.યુ.ની રચના કરી પાર પાડ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.