Site icon Revoi.in

તાપીમાં મીંઢોળા નદી ઉપરનો નવનિર્મિત પુલ ધરાશાયી થયો, ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના તાપીમાં મીંઢોળા નદી પરનો નવનિર્મિત પુલ અચાનક ધરાશાયી થતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. આ પુલનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી તે પહેલા જ ધરાશાયી થઈ જતા તેના કામને લઈને પણ લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે, એટલું જ નહીં પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયાનો પણ ગણગણાટ શરૂ થયો છે. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર તાપીના મીંઢોલા નદી ઉપર રૂ. બે કરોડના ખર્ચે પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2021માં આ પુલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતા આ પુલનું કામ પૂર્ણ થયું હતું અને તેના લોકાર્પણની રાહ જોવાઈ રહી હતી. એટલું જ નહીં આ પુલ લગભગ 15 જેટલા ગામને જોડતો હતો. દરમિયાન આજે સવારે અચાનક આ પુલ ધરાશાયી થયો હતો. આ પુલ ઉપર વાહન-વ્યવહાર કાર્યરત નહીં હોવાથી મોટી દૂર્ઘટના ટળી હતી. તેમજ કોઈ જાનહાની થઈ ન હતી. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ પુલ ધરાશાયી થતા તેની ગુણવત્તાને લઈને સવાલો પણ ઉભા થયાં છે. આજે વહેલી સવારે જ આ વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. વહેલી સવારે પૂલ તૂટી પડ્યો હતો. જો કે કોઈ જાનહાની થઇ નથી.