Site icon Revoi.in

દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા વધીને ચાર હજારને પાર પહોંચી

Social Share

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેસ ફરી એકવાર ભારતમાં ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. 24 કલાકમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો વધીને 4054 ઉપર પહોંચ્યો છે. એક દિવસ પહેલા એક્ટિવ કેસનો આંકડો 3742 હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાકમાં માત્ર એક જ દર્દીનું કોરોનાને પગલે મોત થયું હતું. મહારાષ્ટ્રના થાણેમાં કોવિડ-19ના નવા સબ વેરિએન્ટ જેએન.1ના પાંચ કેસ સામે આવ્યા હતા.

દેશમાં 24 કલાકમાં સૌથી વધારે એક્ટિવ કેસ કેરલમાં સામે આવ્યા હતા. 128 જેટલા કેસ મળી આવ્યા હતા. આમ કેરલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 3000ને પાર પહોંચી છે. નવો વેરિએન્ટ જેએન.1 ઝડપથી પ્રસરી રહ્યો છે. બીજી તરફ દેશમાં 24 કલાકમાં 315 દર્દીઓ સાજા થયા હતા. આમ દેશમાં અત્યાર સુધીમાં 4.44 કરોડ દર્દીઓ કોવિડ-19ને મહાત આપી છે. મુંબઈના થાણેમાં 30મી નવેમ્બર બાદ 20 નમૂનાની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી પાંચ સેમ્પલ જેએન.1 વેરિએન્ટ પોઝિટીવ આવ્યા હતા.

દેશમાં કોરોના કેસમાં છેલ્લા કેટલાક દિવસથી ચિંતાજનક રીતે વધારો થયો છે. જેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ સમગ્ર દેશમાં કોવિડ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધાર્યાં છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને પણ સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને ગભરાવવાની જગ્યાએ સતર્ક રહેવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં કોવિડની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.