Site icon Revoi.in

નુપુર શર્મા મુદ્દે ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલત દયનીય

Social Share

નવી દિલ્હીઃ નુપુર શર્માએ પૈગમ્બર મહંમદ વિશે કરેલા વિવાદીત નિવેદન બાદ મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ સંસ્થાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં કાનપુર, પ્રયાગરાજ અને હાવડા સહિતના શહેરોમાં નુપુર શર્માના વિરોધમાં રસ્તા ઉપર ઉતરી આવેલા લઘુમતી કોમના લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કરીને આગચંપીના બનાવ બન્યાં હતા. દરમિયાન મુસ્લિમ દેશોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં દુનિયામાં ભારતને બદનામ કરવા માટે ચાન્સ શોધતા પાકિસ્તાને પણ ભારતમાં લઘુમતીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાન પોતાના ઘરમાં જ હિન્દુ સહિતના લઘુમતીઓને સુરક્ષા આપવામાં ઉણી ઉતર્યું છે ત્યારે ક્યાં મોઢે ભારતને શિખામણ આપે તેવા સવાલો ઉભા થયા છે. પાકિસ્તામાં વર્ષોથી ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે અને દુનિયાના તમામ દેશો આ અંગે જાણે છે એટલું જ નહીં પાકિસ્તાનના શાસકો અને રાજકીય આગેવાનોને ઈસ્લામિક કટ્ટરપંથીઓને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ રહ્યાં છે. ત્યારે નુપુર શર્માના નિવેદન મુદ્દે નારાજગી વ્યક્ત કરનારા મુસ્લિમ દેશોએ પહેલા પાકિસ્તાનમાં વસતા હિન્દુ અને ખ્રીસ્તી સહિતના લઘુમતીઓ ઉપર થતા અત્યાચાર મુદ્દે પાકિસ્તાનનો કાન પકડીને કટ્ટરપંથીઓ સામે કાર્યવાહી કરવા દબાણ કરવું જોઈએ, તેમ તજજ્ઞો માની રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શરીફે ટ્વિટર પર લખ્યું છે કે, મોદીના નેતૃત્વમાં ધાર્મિક સ્વતંત્રતાને કચડી નાખવામાં આવી રહી છે અને મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, પાકિસ્તાનમાં હિન્દુ (Hindu)ઓ, શીખો, બૌદ્ધો, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતી ધર્મોના લોકો પર થતા અત્યાચાર વિશ્વએ જોયા છે. તેમણે કહ્યું કે ભારતમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવાને બદલે પાકિસ્તાને તેના લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ. પાકિસ્તાનમાં મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડી નાખવામાં આવે છે. મોટાભાગના મંદિરો હવે દુકાનો અને ઓફિસોમાં ફેરવાઈ ગયા છે. દર વર્ષે હજારો છોકરીઓનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવે છે. પાકિસ્તાને પણ આ તરફ ધ્યાન આપવું જોઈએ.

ગયા વર્ષે એપ્રિલમાં સેન્ટર ફોર ડેમોક્રેસી, પ્લુરાલિઝમ એન્ડ હ્યુમન રાઈટ્સનો રિપોર્ટ બહાર આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે ‘બિન-નાગરિકો’ જેવો વ્યવહાર કરવામાં આવે છે. તેમને ત્યાં અવાજ ઉઠાવવાનો ન તો અધિકાર છે કે ન તો કોઈ કાયદાકીય અધિકાર છે. અમેરિકાના 2021ના ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ટાર્ગેટ કિલિંગ, ધર્મનિંદાના કેસો, બળજબરીથી ધર્માંતરણ અને ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણમાં વધારો થયો છે. ઓલ પાકિસ્તાન હિંદુ રાઈટ્સ મૂવમેન્ટ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભાગલા સમયે પાકિસ્તાનમાં 428 મંદિરો હતા, પરંતુ 1990 પછી આમાંથી 408 મંદિરોમાં રમકડાની દુકાનો, રેસ્ટોરાં, હોટલ, ઓફિસ, સરકારી શાળા કે મદરેસા ખોલવામાં આવ્યા છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ જમીન 40 લાખ હિન્દુઓની છે. 2019 માં, પાકિસ્તાન સરકારે 400 મંદિરોને તોડફોડ અથવા કબજે કર્યાનું પણ સ્વીકાર્યું હતું.